રાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાત

રાજકોટમાં 1500થી વધુ સ્થળે સાવર્જનિક ગણેશોત્સવ થાય છે. આ ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટ અને વ્યક્તિગત સ્થાપન થયુ હોય એ અલગ. આવતીકાલે ગણેશોત્સવના સમાપનના દિવસે પ્રતિમાનું વિસર્જન…

રાજકોટમાં 1500થી વધુ સ્થળે સાવર્જનિક ગણેશોત્સવ થાય છે. આ ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટ અને વ્યક્તિગત સ્થાપન થયુ હોય એ અલગ. આવતીકાલે ગણેશોત્સવના સમાપનના દિવસે પ્રતિમાનું વિસર્જન કોઇ જોખમી જળાશયમાં ન થાય તે માટે મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાએ 6 સ્થળ નક્કી કર્યા છે. આ તમામ સ્થળે મોટી પ્રતિમા પાણીમાં ઉંડે સુધી વિસર્જન કરી શકાય તે માટે ક્રેઇનની વ્યવસ્થા પણ રાખવામા આવશે. મોટી પ્રતિમા જાતે જ ઉંડા પાણી સુધી વિસર્જન કરવા જવાના બદલે સ્થળ પર તૈનાત ફાયર બ્રિગેડના સ્ટાફને આપવાનો અનુરોધ મનપાએ કર્યો છે.

ગણેશ વિસર્જન માટે જે 6 જગ્યા નક્કી કરવામા આવી છે તેમા આજી ડેમના ઓવરફ્લો તરફના ભાગમાં ખાણ નં.1 અને 2, મવડીમાં જખરાપીરની દરગાહ પાસે આવેલુ જળાશય, કાલાવડ રોડ પર વાગુદળના પાટિયા પાસે(બાલાજી વેફર્સ ફેકટરીની સામે)ના રસ્તે આવેલુ તળાવ અને હનુમાનધારામાં વિસર્જન થઇ શકશે. એ સિવાઇ કોઇપણ જોખમી જગ્યાએ પ્રતિમાનું વિસર્જન કરવા જવુ હિતાવહ નથી તેવી ચેતવણી પણ મનપાન ફાયર બ્રિગેડ શાખાએ આપી છે.

મોટી પ્રતિમા જાતે ઉંચકીને જળાશયની અંદર ઉંડે સુધી જવામાં જોખમ રહે છે. અત્યાર સુધી ડૂબી જવાની દૂઘર્ટના અનેકવખત બની ચુકી છે. મહાપાલિકા આજી ડેમના ઓવરફ્લો તરફના ભાગમાં 4 ક્રેઇન, મવડીમાં જખરાપીરની દરગાર પાસેના જળાશયે એક ક્રેઇન અને હનુમાનધારામાં 2 મોટી ક્રેઇન રાખવામા આવશે. મોટી પ્રતિમા ફાયરબ્રિગેડ સ્ટાફને આપી દેવાની રહેશે. સ્ટાફ પોતે ક્રેઇન મારફતે વિસર્જન કરાવી દેશે.
મનપાએ પ્રતિમા વિસર્જન માટે જે 6 જગ્યા નક્કી કરેલી છે તે તમામ સ્થળે ક્રેઇન ઉપરાંત સંભવિત દૂઘર્ટના વખતે બચાવકાર્ય કરી શકાય તેવા તમામ સાધનો સાથે ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત રાખવામા આવશે. કુલ 90 જેટલા જવાનો આ પાંચેય સ્થળે તૈનાત રાખવામા આવશે.

કાલે ગણેશ વિસર્જનમાં 1408 પોલીસ તૈનાત રહેશે
રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત ગણપતિની વિસર્જન યાત્રા આવતીકાલે શુક્રવારે નીકળશે ત્યારે વિર્સજન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈત્યાન્ય મંડલિક તેમજ ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાના નિરીક્ષણ હેઠળ બંદોબસ્ત માટે 7 એસીપી, 25 પીઆઈ, 72 પીએસઆઈ ઉપરાંત અન્ય સ્ટાફ સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો અને એસઆરપીની ટુકડી મળી કુલ 1408 પોલીસ તૈનાત રહેશે. પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.ગણેશ વિસર્જન માટે જે સાત સ્થળ નક્કી કરાયા છે જેમાં કલર કોડ મુજબ વિસર્જન કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં રેડ કલર: આજીડેમ ઓવર ફલો સાઇડ ખાણ નં. 1,ખાણ નં. 2 કિશાન ગૌશાળા રોડ, 150 ફુટ રીંગ રોડ, એચ.પી.પેટ્રોલ પંપ સામે, રવિવારી બજાર વાળું ગ્રાઉન્ડ, આજી ડેમ પાસે, ભાવનગર રોડ, ઓરેન્જ કલર: પાળ ગામ પાસે, ઝખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, અને ગ્રીન કલર : બાલાજી વેફર્સ સામે, વાગુદડના પાટીયા પછીના પુલ નીચે, બ્લ્યુ કલર:ન્યારાના પાટીયા પાસે, ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ ખાતે વિર્સજન કરવાનું રહેશે, પોલીસે દ્વારા ગણેશ વિસર્જનની શોભાયાત્રા અને વિસર્જન સ્થળે ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *