રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.
વિંછીયા પોલીસ મથકના સ્ટાફને છાસિયા ગામના વિરમભાઈ મગનભાઈ વાસાણીના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલિક વિરમ વાસાણી સહિત કુલ 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 96,830 રૂૂપિયાની મત્તા કબજે કરી હતી.
ઝડપાયેલા જુગારીઓમાં હેમંત છગનભાઈ સોલંકી, વિનુભાઈ નાજાભાઈ ચૌહાણ, લાખાભાઈ વજાભાઈ સોહલા (મૃતક), વલકુભાઈ લઘરાભાઈ સરવૈયા, અરવિંદભાઈ દાનાભાઈ મકવાણા, જેશાભાઈ મગનભાઈ વાસાણી, જેન્તીભાઈ ડાયાભાઈ વાસાણી, ભાભલુભાઈ રામભાઈ ચાવડા અને મુકેશ ઉર્ફે મુના કેશાભાઈ ઝાપડીયાનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન, વિંછીયાના અજમેર ગામે રહેતા લાખાભાઈ વજાભાઈ સોહલા (ઉ.45)ની તબિયત અચાનક લથડી હતી. પોલીસે તેમને તાત્કાલિક વિંછીયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, ભવિષ્યમાં પોલીસ કાર્યવાહી સામે કોઈ આક્ષેપો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસે લાખાભાઈના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
