મનીષ પાંડે 108 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે
ઋતુરાજ ગાયકવાડ વિજય હઝારે ટ્રોફીમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જમણા હાથનો આ બેટ્સમેન વિજય હઝારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગાયકવાડે વર્તમાન સિઝનના પાંચમા રાઉન્ડના એલીટ ગ્રુપ સી મેચમાં ત્રીજા નંબરે ઉતરીને 66 રન બનાવ્યા હતા. તેણે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 52 બોલનો સામનો કરતા સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડે અર્શિન કુલકર્ણી સાથે બીજી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. જેણે 114 બોલમાં 114 રન બનાવ્યા.
ઋતુરાજ ગાયકવાડ વિજય હઝારે ટ્રોફીમાં 100થી વધુ છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરે છે. તેણે 57 વિજય હઝારે ટ્રોફી મેચમાં 105 છગ્ગા ફટકાર્યા છે. કર્ણાટકના મનીષ પાંડે વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ટોપ પર છે. મનીષ પાંડેએ વર્ષ 2008થી 2023 સુધી કર્ણાટક માટે 103 મેચમાં 108 છગ્ગા અને 250 ચોગ્ગાની મદદથી 3403 રન બનાવ્યા છે. કેરળના વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ 56 મેચમાં 92 છગ્ગા સાથે સિક્સ હિટરની યાદીમાં ત્રીજા નંબરે છે. જ્યારે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણે બરોડા માટે 58 વિજય હઝારે ટ્રોફી મેચમાં 91 છગ્ગા સાથે કરિયરનો અંત કર્યો હતો.
