રાજકોટના સોનીબજારમાં ગત સપ્તાહે દિયા ગોલ્ડ નામની પેઢીના બિલ્ડીંગમાં ભિષણ આગ લાગી હતી. અહીં રખાયેલા ગેસના બાટલા ફાટતા આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યુ હતુ. બનાવ બન્યો ત્યારે છેક ફાયર બ્રિગેડની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે, આ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ન હતુ. બનાવ બાદ મેયર ડો.નેહલ શુક્લે સોનીબજારના આગેવાનો અને મનપાના સંબંધિત વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી એવો આદેશ કર્યો હતો કે, સોની બજાર સહિતના ગિચ વિસ્તારમાં આવા તમામ ગેરકાયદે અને ફાયર એન.ઓ.સી. વગરના બાંધકામ સામે સીલ સહિતના પગલાં લેવા.
રાજકોટના સોની બજારના દિયા ગોલ્ડ નામની ઇમારતમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી પણ આવા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઇ રીતે કરી શકાય તે દિશામા કાયમી પ્લાનીંગ કરવા મેયર ડો.નેહલ શુક્લે મનપાના ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર, ફાયર અને ટીપી શાખાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. એ દરમિયાન મેયરે જાહેર સલામતી માટે એક હાર્ડ નિર્ણય લીધો હતો. મેયરે આદેશ કર્યો છે કે, જે બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. ન હોય ત્યા નિયમ મુજબ ફાયર સેફ્ટી ન લગાવાય ત્યા સુધી બિલ્ડીંગ સીલ કરી દેવુ. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ થયુ હોય તેને પણ સીલ કરી દેવા માટે મેયરે આદેશ કર્યો છે.
મેયર ડો. નેહલ શુકલે કહ્યું હતું કે,સોની બજાર જેવા ગીચ વિસ્તારોમાં અનેક કોમર્શિયલ બાંધકામો ટીપી શાખાના કમ્પલિશન વગરના હોવાનું ખુલ્યું છે.
આવી જ રીતે અનેક બાંધકામોમાં ફાયર સેફ્ટિ કે ફાયર એનઓસી પણ નથી. આવા તમામ કોમર્શિયલ બાંધકામો સીલ કરવા.સોનીબજાર ઉપરાંત રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર, પરા બજાર, દાણાપીઠ, કંસારા બજાર સહિતના ગિચ વિસ્તારમાં ફાયર સેફ્ટી અને બાંધકામના નિયમ વિરુધ્ધના જેટલા પણ બાંધકામો હોય તેનુ હીટલિસ્ટ તૈયાર કરવા મેયરનો સ્પષ્ટ આદેશ છે. દરમિયાન ગત સપ્તાહે જ્યા આગની ઘટના બની હતી તે દિયા ગોલ્ડ બિલ્ડીંગને આજે સીલ મારી દેવામા આવ્યુ હતુ. જ્યા સુધી ફાયર એન.ઓ.સી. તેમજ નિયમ મુજબ બાંધકામમાં ફેરફાર ન થાય ત્યા સુધી સીલ ખોલવામા નહીં આવે તેમ જાણવા મળ્યુ છે.
અનેક વિસ્તારોમાં આવા ‘મોતના માચડા’ છે, તમામ ગેરકાયદે બાંધકામ સીલ કરાશે?
માત્ર સોનીબજાર જ નહીં પણ જુના રાજકોટ સહિત શહેરભરમાં ચૂંટણી પહેલા અને ચૂંટણીના દિવસોમાં ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા છે. મનપાએ દેખાડો કરવા પુરતુ કે પછી કડકાઇ દેખાડીને ટેબલ નીચેનો વહીવટ કરવાની વર્ષો જુની મોડસ ઓપરેન્ડી મુજબ 260(2) એટલે કે ડિમોલિશનની આખરી નોટિસ આપવા છતા હજુપણ અડીખમ ઉભા છે તેવા આવા તમામ ગેરકાયદે બાંધકામ સીલ કરાશે કે કેમ? મેયર સહિતના પદાધિકારીઓ માટે આ પડકારજનક સવાલો ઉઠી રહ્યા છે.
