દેશના બે દરિયાકાંઠાના રાજ્યોમાં ચક્રવાત અર્નબે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયું હતું. તોફાન દરમિયાન 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તેની અસરથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા અને કોન્સીમામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે.
વાવાઝોડાની અસર પરિવહન વ્યવસ્થા પર પણ પડી છે. તોફાની હવામાનને કારણે 50 ટ્રેનો અને વિજયવાડા તથા વિશાખાપટ્ટનમ એરપોર્ટની 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરીને ફ્લાઇટનું સ્ટેટસ તપાસ્યા બાદ જ એરપોર્ટ પહોંચવાની અપીલ કરી છે.
બીજી તરફ ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે. રાજ્યના 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે અંદાજે 30 હજાર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં રાહત અને બચાવની તૈયારીઓ કરવામાં આવી છે તથા 4 હજાર ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યાં છે.
હવામાન વિભાગે ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિતનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
વિશાખાપટ્ટનમના દરિયામાં તોફાની મોજાં ઉછળી રહ્યાં છે. ખરાબ હવામાનને કારણે રસ્તાઓ પર અવરજવર અને એરપોર્ટ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
સ્થાનિક તંત્ર અને પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. લૅન્ડફોલની પ્રક્રિયા 3 થી 4 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
