ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત પુષ્કળ વરસાદ સાથે થઈ હતી, પરંતુ કુદરતની એ મહેરબાની સમગ્ર સીઝન માટે પૂરતી સાબિત થઈ નથી. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું પણ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના રેઈન ગેજ (વરસાદ માપક) આંકડા એક અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. રાજ્યના કુલ 34 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં 50 થી 51 ટકા સુધી વાર્ષિક વરસાદની ઘટ નોંધાઈ છે.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, જ્યાં 87 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. ભારતીય હવામાન વિભાગ ની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 89 ટકાની ખાધ ધરાવતા અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લા પછી દેવભૂમિ દ્વારકા સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લાઓમાં બીજા ક્રમે આવી ગયું છે.
આંકડાકીય વિશ્ર્લેષણ સ્પષ્ટ કરે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત અને છેલ્લા દસ વર્ષમાં માત્ર ત્રીજી વખત એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાત તેની મોસમનો 100 ટકા વરસાદ મેળવવામાં નિષ્ફળ રહ્યું હોય. નિષ્ણાતોના મતે ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ 75 ટકા વરસાદ નોંધાતો હોય છે, પરંતુ આ સરેરાશ આંકડો વાસ્તવિક સ્થિતિ છુપાવે છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમય બાદ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો સૌથી વધુ વરસાદની ખાધનો સામનો કરી રહ્યા છે. પરંપરાગત રીતે સૂકા અને પાણીની અછત ધરાવતા ગણાતા આ બંને પ્રદેશોમાં છેલ્લા એક દાયકામાં જળ વ્યવસ્થાપન સુધર્યું હતું, પરંતુ આ વર્ષે કચ્છમાં તેની સરેરાશ વાર્ષિક ક્ષમતાના માત્ર 29 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 56 ટકા વરસાદ નોંધાયો છે. હવે મોસમમાં ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ પાતળી છે, જોકે તેને સાવ નકારી શકાય નહીં.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (જઊઘઈ) ના આંકડા મુજબ રાજ્યના ઓછો વરસાદ મેળવનારા મુખ્ય જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા (6%), પોરબંદર (18%), કચ્છ (19%), જામનગર (28%), ગીર સોમનાથ (46%), સાબરકાંઠા (46%), અરવલ્લી (46%), રાજકોટ (47%) અને છોટાઉદેપુર (50%) નો સમાવેશ થાય છે.આ વર્ષે રાજ્યમાં વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશના 100 ટકા કે તેથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના એક વિશ્ર્લેષણ અનુસાર, ગુજરાતનો અત્યાર સુધીનો આશરે 60 ટકા જેટલો વરસાદ માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ વરસી ગયો હતો, જે છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની નવી પેટર્નને દર્શાવે છે.
હવામાન વિભાગના ડેટા અનુસાર, વર્ષ 2019, 2020 અને 2024માં ચોમાસાના ચાર મહિના પૈકી ઓગસ્ટમાં 400 મીમીથી વધુ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં માત્ર 96.5 મીમી વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનાના કુલ વરસાદની દ્રષ્ટિએ 2023 (25.5 મીમી) અને 2021 (65.3 મીમી) પછી આ ત્રીજો સૌથી ઓછો વરસાદ છે.
છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં સરેરાશ માત્ર 2.3 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદની આ ગંભીર ખાધ અને જળ સંકટને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તાજેતરમાં સૌની (જઅઞગઈં) યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવાની જાહેરાત કરી છે.
