શિક્ષણ સાથે સ્કિલ્સ, આત્મવિશ્વાસ અને ટાઈમ મેનેજમેન્ટનું સુંદર સંતુલન સાધી સફળ થયેલ શ્રેયા કારિયાની સફર જેન-ઝી માટે પ્રેરણારૂપ
ગૂગલમાં નોકરી શરૂ કર્યાના પ્રથમ જ વર્ષમાં શ્રેયા કારિયાને અમેરિકામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય અઈં સમિટમાં ભાગ લેવાની મળી તક
નાનકડા શહેરની યુવતી પરંતુ આંખોમાં મોટા સ્વપ્નાઓ. શિક્ષણમાં અવ્વલ છતાં સ્વભાવમાં સરળતા. નાનાં પગલાંઓ ભરી જેણે મોટી સફળતા મેળવી છે. દરેક કામ ચોક્કસાઈ અને સૂઝબુઝ સાથે કરે.પરિવારને પ્રેમ કરે અને વડીલોને આપે સમ્માન.શિક્ષણ સાથે કરે છે અનેક મનગમતી પ્રવૃતિઓ.કોઈએ ધારી ન હોય એવી સફળતા જેણે મેળવી છે. આ વાત છે વેરાવળની યુવતી શ્રેયા કારિયાની, આ કહાની છે સફળતા પાછળ રહેલ સખત અને સતત મહેનત, દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતાઓ પરના વિશ્વાસની.
વેરાવળમાં જન્મેલ અને ઉછરેલ શ્રેયા કારિયાની સફર કંઈક આવી જ છે. આજે તેઓ બેંગલોરના અનંતા કેમ્પસમાં ગૂગલ સાથે કાર્યરત છે અને પોતાની પ્રતિભા તથા કૌશલ્યના આધારે વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે.
શ્રેયાની શૈક્ષણિક કારકિર્દી શરૂઆતથી જ તેજસ્વી રહી છે. તેમની આ સફળતામાં પરિવારના શૈક્ષણિક વાતાવરણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. દાદા વિનુભાઈ કારિયા અને દાદી ચંદ્રિકાબેન કારિયા બંને ગ્રેજ્યુએટ છે, જ્યારે માતા પલ્લવીબેન અને પિતા ચિરાગભાઈ કારિયા બંનેએ બી.ટેક.નો અભ્યાસ કર્યો છે. માતા પલ્લવીબેન ઇજગકમાં એન્જિનિયર તરીકે કાર્યરત હોવા છતાં બાળકોના શિક્ષણની જવાબદારી પણ એટલી જ નિષ્ઠાથી નિભાવતા રહ્યા. પરિણામે શ્રેયા અને તેમના ભાઈ હિતાર્થ બંનેએ ઉચ્ચ અભ્યાસ દરમિયાન ક્યારેય ટ્યૂશન કે ક્લાસીસનો આધાર લીધો નથી.
દાદા-દાદી પાસેથી મળેલા સંસ્કાર મળ્યા તો માતા-પિતા પાસેથી મળેલા શૈક્ષણિક તથા વ્યવહારુ માર્ગદર્શન મળ્યું.પ્રારંભિક શિક્ષણ સાથે શ્રેયાએ પોતાની સફર આગળ વધારી.ધો.10 અને 12માં 98.5% ઉંઊઊ ખફશક્ષતમાં 99 પર્સેન્ટાઇલ મેળવ્યા બાદ અમદાવાદ યુનિવર્સિટીમાં બી.ટેક. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ફ્લિપકાર્ટમાં નોકરી મળી અને ત્યાં ચાર મહિના કામ કર્યા બાદ પોતાની આવડત અને કૌશલ્યના આધારે ગૂગલમાં પસંદગી પામી.
ગૂગલમાં નોકરી શરૂૂ કર્યાના પ્રથમ જ વર્ષમાં તેમને અમેરિકામાં યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય અઈં સમિટમાં ભાગ લેવાની તક પણ મળી. એક તરફ કારકિર્દીમાં સતત આગળ વધવાની આ સફર અને બીજી તરફ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢવાની તેમની ક્ષમતા નોંધપાત્ર છે.
ઘણાને એવું લાગી શકે કે વેરાવળમાંથી ભણીને ગૂગલ સુધી પહોંચવામાં શું મોટી વાત છે? પરંતુ આ મુકામ સુધી પહોંચવાની યાત્રા વિચારીએ એટલી સરળ નથી. તેની પાછળ અનેક દિવસો અને કલાકોની મહેનત, પોતાની જાતને સતત અપડેટ કરવાની તૈયારી, મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસની કસોટી છે. શ્રેયાએ આ તમામ પડકારો વચ્ચે પોતાની ક્ષમતાઓને ઓળખી અને તેને યોગ્ય દિશામાં વાપરીને આ સફળતા મેળવી છે.
આજની જેન-ઝી પેઢી માટે શ્રેયાની સફર એટલા માટે પણ પ્રેરણાદાયી છે કે તેઓ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં પોતાના સમય અને સ્કિલ્સનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવું જ નહીં, પરંતુ પોતાની આવડતને સતત વિકસાવવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો આ બાબત શ્રેયાની સફરમાં જોવા મળે છે.
શિક્ષણ અને કારકિર્દીની સાથે શ્રેયા ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ એટલી જ સક્રિય છે. તેમને રનિંગ, ગરબા અને ટ્રેકિંગનો ખાસ શોખ છે. તાજેતરમાં જ તેઓ પોતાના ભાઈ હિતાર્થ સાથે ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર્સમાં એક સપ્તાહના ટ્રેકિંગ માટે પણ ગયા હતા. ગૂગલ જેવી વૈશ્વિક કંપનીમાં જવાબદારીભરી નોકરી વચ્ચે પણ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢવાની તેમની આ ટેવ ખરેખર ટાઈમ મેનેજમેન્ટનો સુંદર પાઠ આપે છે.
સફળતાની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ શ્રેયા પોતાના સ્વભાવમાં સરળ અને ડાઉન-ટુ-અર્થ રહેવાનું પસંદ કરે છે. પોતાના કામમાં મસ્ત રહેવું, નવી બાબતો શીખતા રહેવી અને સાથે પોતાની રુચિઓ માટે પણ સમય ફાળવવો આ સંતુલન તેમની વ્યક્તિગત સફળતાને વધુ વિશેષ બનાવે છે.
વેરાવળ જેવા નાનકડા શહેરથી શરૂૂ થયેલી શ્રેયાની સફર આજે ગૂગલના વૈશ્વિક ફલક સુધી પહોંચી છે. તેમની કહાની માત્ર એક યુવતીની કારકિર્દીની સફળતા નથી, પરંતુ ‘મોટું સપનું જોવા માટે મોટા શહેરમાં જન્મવું જરૂરી નથી; તેને સાકાર કરવા માટે મોટી મહેનત અને મક્કમ મનોબળ જરૂરી છે’ તેનો સુંદર સંદેશ પણ આપે છે.
હજુ સફળતાનું આ પ્રથમ પગલું છે આગળ હજુ અનેક સફળતાનાં શિખરો સર કરવાના બાકી છે ત્યારે તેઓ યુવાનોને સંદેશ આપતા જણાવે છે કે સમયનું મહત્વ સમજો. જે સમય પસાર થઈ ગયો છે તે ક્યારેય પાછો ફરવાનો નથી તે અમૂલ્ય છે.આ સમયને સોશિયલ મીડિયા કે મોબાઈલમાં વેડફવા ને બદલે કોઈ ક્રિએટિવ કામ કરો તમારા સ્વપ્નઓને સાકાર કરવાના પ્રયત્નો કરો. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. જીવનમાં ક્યારેય હાર ન માનો. માતા પિતાએ તમારા માટે જોયેલ સ્વપ્નો માટે મહેનત કરો.
