પાક. જેલમાં સબડતા માછીમારોને છોડાવો: પરિવારજનોની કાકલુદી

દરિયો રોજીરોટીનું સાધન બન્યો, પરંતુ એ જ દરિયો સરહદની અજાણતાં થતી ભૂલને કારણે અનેક માછીમાર પરિવારો માટે વર્ષોથી વિયોગ અને વેદનાનું કારણ બન્યો છે. પાકિસ્તાનની…

દરિયો રોજીરોટીનું સાધન બન્યો, પરંતુ એ જ દરિયો સરહદની અજાણતાં થતી ભૂલને કારણે અનેક માછીમાર પરિવારો માટે વર્ષોથી વિયોગ અને વેદનાનું કારણ બન્યો છે. પાકિસ્તાનની જેલોમાં લાંબા સમયથી બંધ ભારતીય માછીમારોની વહેલી મુક્તિની માગ સાથે ઉના, દીવ અને ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારોની મહિલાઓ ઉનાના દેલવાડા ખાતે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ સોલંકીના નિવાસસ્થાન મીરાકુજ ખાતે પહોંચી હતી. મહિલાઓએ પોતાના સ્વજનોની પીડા અને પરિવારની આર્થિક મુશ્કેલીઓ રજૂ કરતાં માછીમારોને વહેલી તકે ભારત પરત લાવવા માટે સરકાર દરમિયાનગીરી કરે તેવી લાગણીસભર માગ કરી હતી.

માછીમાર પરિવારોની રજૂઆત સાંભળીને મંત્રી પરસોતમ સોલંકીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારમાં મંત્રી તરીકેમારીજવાબદારી છે અને સાગરખેડુ પરિવારોની યાતના હું સમજી શકું છું. પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની વહેલી મુક્તિ માટે રાજ્ય સરકાર મારફતે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી રહી છે. આ મામલે વિદેશ મંત્રાલયને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. માછીમાર આગેવાનોનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર આવશે ત્યારે મુખ્યમંત્રી સમક્ષ પણ આ પ્રશ્ન રજૂ કરવામાં આવશે. માછીમારોને છોડાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી તેમણે આપી હતી.

દીવના માછીમાર અગ્રણી છગનભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, તેમના જણાવ્યા મુજબ આશરે 198 માછીમારો છેલ્લા છથી સાત વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. માછીમારી દરમિયાન દરિયાઈ સરહદ પાર થઈ જવાના કારણે પકડાયેલા માછીમારો લાંબા સમયથી જેલમાં છે. પરિવારજનો દિલ્હી સુધી રજૂઆતો કરવા ગયા હોવા છતાં તેમને પોતાના સ્વજનોની મુક્તિની રાહ જોવી પડી રહી છે. તેમણે મંત્રી સમક્ષ માછીમારોને પરત લાવવા માટે અસરકારક પગલાં ભરવાની માગ કરી હતી.

ઉનાના લહેરકા ગામનાં ભાવનાબેન મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના પતિ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પરિવાર દ્વારા દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ જેલમાં હોવાથી બાળકોનાં ભરણપોષણ અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની અસર દરિયાઈ સરહદે માછીમારી કરતા પરિવારો પર પણ પડી રહી છે.

પૈસા નહીં અમારા માણસો પાછા આપો, દિલ્હી સુધી રજૂઆતોનું પરિણામ શૂન્ય
માધવાડનાં રામીબેન ભગનભાઈ ચાવડાની વેદના સાંભળીને ઉપસ્થિત લોકો પણ ભાવુક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર છેલ્લા સાત વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પરિવાર દ્વારાગાંધીનગર, દિલ્હી અને જામનગર સુધી જઈ રજૂઆતો કરવામાં આવી છે. માછીમારી દરમિયાન પકડાયા બાદ સજા પૂર્ણ થઈ હોવા છતાં પુત્રની મુક્તિ ન થતાં પરિવારની આશા સતત લંબાઈ રહી છે. રામીબેને લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે, અમારે પૈસા નથી જોઈતા, અમારાં માણસો પાછા આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *