4 બ્રાન્ચમાંથી અલગ-અલગ 155 ટ્રાન્ઝેક્શન થયા, અંતે ગુનો નોંધાયો: બેંકની 4 ભરતનગર, સુભાષનગર, સીદસર અને તળાજા બ્રાંચના ખાતાધારકને હેકર્સે શિકાર બનાવ્યા
સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા હોય તેમ સાયબર ફ્રોડના ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં બેંકનું સર્વર હેક કરી કરોડો રૂૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચાર શાખાને સાયબર ગઠિયાઓએ સર્વર હેક કરી તબક્કાવાર રીતે સાત કરોડ જેવી માતબર રકમની ઉચાપત બહાર આવી છે. આ ઘટનાને લઈ ભાવનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલા દેવરાજનગરની સામે આવેલ યોગીનગર સોસાયટીમાં રહેતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના સીબીએસ કોર બેન્કિંગ સોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર આઈટી હેડ તરીકે ફરજ બજાવતા હાદકભાઈ દાનજીભાઈ સવાણીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.07 માર્ચ 2026થી તા.09 માર્ચ 2026 દરમિયાન અમારી ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી.ની સિસ્ટમ હેક કરી સર્વરમાં અનધિકૃત રીતે એક્સેસ મેળવી લઈ બેંકના ખાતાધારક સુભાષનગર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક પરમાર વિવેકભાઈ બળવંતભાઈ (રહે.112/ઇ લાખાવાડા, ઘોઘા રોડ, ભાવનગર)ના બચત ખાતામાંથી રૂૂ.1,50,00,201 તથા સીદસર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક અજીતસિંહ ભરત સિંહ ગોહિલ (રહે.પ્લોટ નં.44 આણંદજી પાર્ક, ફુલસર ભાવનગર) ના કરંટ ખાતામાંથી રૂૂ. 3,50,00,000 તથા તળાજા બ્રાંચ ભાવનગરના બેંક ખાતાધારક અગ્રવાત અનિલ ધર્મેશભાઇ (રહે.શાંતીવિલા બંગલો, ઉમા મંગલ હોલ પાસે સુરત) ના બચત ખાતામાંથી રૂૂ. 98,99,855 તથા ભરતનગર શાખા, ભાવનગરના ખાતા ધારક હરેશભાઈ મધુભાઈ વ્યાસ (રહે.2109, દેવકા વિધ્યાપીઠ, દેવકા-કુંભારીયા, અમરેલી)ના ખાતામાંથી રૂૂ. 1,35,91,626 એમ કુલ રૂૂ.7,34,91,682 અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રૂૂપિયા ટ્રાન્સફર કરી લઈ ઓનલાઇન માધ્યમથી નાણાંનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. 4 બ્રાંચમાં 4 ખાતા ધારકોના ખાતામાંથી 155 જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં. આ બનાવ સંદર્ભે બ્રાન્ચ મેનેજર આઈટી હેડ હાદકભાઇએ સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે.
ખાતેદારો સાથે નહીં બેન્ક સાથે ફ્રોડ થયું : જનરલ મેનેજર
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચારની બ્રાન્ચના ચાર ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા છે અને જે ખાતેદરોના ખાતામાંથી રૂપિયા ગયા છે તે ખાતેદારોના ખાતામાં આટલી મોટી બેલેન્સ હતી જ નહીં. બેંકના રૂપિયાનું ફ્રોડ થયું છે અને ખાતેદારોના ખાતા માઇનસ થયા છે અને હાલ ખાતેદારો પર પણ શંકાની સોય તાકવામાં આવી રહી છે અને હવે પોલીસ તપાસ કરશે તેમ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કના જનરલ મેનેજર જે.કે કેવડિયાએ જણાવ્યું હતું.
