ક્રેડીટ સોસાયટીમાંથી 32 લાખની લોન લઈ તેજ મિલકત જઇઈંમાં પણ ગીરવે મુકી દીધી, બોગસ સોગંદનામુ કરનાર વેપારી સામે ફરિયાદ
શહેરમાં આર્થિક છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં શહેરનાં જવાહર રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાંથી રૂા.59.72 લાખની લોન લઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રૈયા રોડ પર રહેતાં વેપારીએ ક્રેડીટ સોસાયટીમાંથી જે મિલકત ઉપર 32 લાખની લોન લીધી હતી તે મિલકત ઉપર ખોટુ સોગંદનામું કરી એસબીઆઈ બેંકમાંથી લોન મેળવી બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. એક જ મિલકત ઉપર ખોટુ સોગંદનામુ કરી બે સ્થળેથી લોન મેળવી છેતરપીંડી આચરતા વેપારી સામે એસબીઆઈના આસીસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતાં અને સરદારબાગ સર્કીટ હાઉસ સામે આવેલી એસબીઆઈ બેંકમાં આસીસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં કનકસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.52)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર સમૃધ્ધિ પાર્ક શેરી નં.1માં આવેલા શાંતિ બંગ્લોઝમાં રહેતા વેપારી સચીન ચુનીલાલ જટાણીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સચિનભાઈએ ગત તા.15-11-2018નાં જવાહર રોડ પર આવેલી એસબીઆઈની જીમખાના શાખામાં પોતાનું એલ.એન્ડ ટી કંપનીમાંથી પોતાની હોમ લોન ટેકઓવર કરવા માટે અરજી કરી હતી. જેની ઓનલાઈન પ્રોર્સિઝર પુરી કરી આરોપી રૂા.12 લાખની હોમ લોન તા.20-11-2018નાં ટેકઓવર કરી હતી.
ત્યારબાદ સચિનભાઈએ ટોપઓપ લોન લેવા માટે અરજી કરતાં તા.1-9-2021નાં રૂપિયા 21.22 લાખની હાઉસીંગ લોન અને ત્યારબાદ રૂા.26.50 લાખની ટોપઓપ લોન આપી હતી. બાદમાં વર્ષ 2021માં રાજકોટમાં આવેલી ધનેશ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીમાંથી એસબીઆઈ બેંકમાં લેટર આવેલો જેમાં એસબીઆઈ બેંક દ્વારા આરોપી સચિનભાઈને જે મિલકત ઉપર હોમ લોન આપી છે તે જ મિલકત ઉપર તેમણે ધનેશ ક્રેડીટ સોસાયટીમાંથી પણ લોન લીધી હોવાનું જણાવાયું હતું. જેથી બેંક દ્વારા તપાસ કરતાં સચિનભાઈએ એસબીઆઈ બેંકમાં ગીરવે મુકેલી મિકલત ઉપર ધનેશ ક્રેડીટ સોસાયટીમાંથી રૂા.32 લાખની લોન લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી સચિનભાઈએ એસબીઆઈ બેંકમાંથી લોન લેતી વખતે સોગંદનામુ રજુ કર્યુ હતું જેમાં તેણે આ મિલકત ઉપર અન્ય કોઈ જગ્યાએ લોન લીધી ન હોવાનું જણાવ્યું હતું. આમ તેમણે ખોટુ સોગંદનામુ કર્યુ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ એસબીઆઈ બેંકમાંથી લીધેલી રૂા.59.72 લાખની હોમલોન અને ટોપઓપ લોન લઈ તેના હપ્તા ભરવાનું બંધ કરી દેતાં ખાતુ એનપીએ થઈ ગયું હતું. જેથી બેંક દ્વારા સચિનભાઈના મકાનનો કબજો વર્ષ 2023માં લઈ લીધો હતો.
આમ આરોપી સચિનભાઈએ તેની મિલકત ઉપર ક્રેડીટ સોસાયટીમાંથી લોન લીધી હોવા છતાં એસબીઆઈ બેંકમાં ખોટુ સોગંદનામુ કરી 59.72 લાખની લોન મેળવી આ લોન પરત ન ચુકવી બેંક સાથે ઠગાઈ કરી હતી. જે અંગે એ-ડીવીઝન પોલીસે એસબીઆઈ બેંકના આસીસ્ટન્ટ જનરલ મેનેજરની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.આર.ચાવડા ચલાવી રહ્યાં છે.
