સ્ટાફને વસતી ગણતરીની તાલીમમાં રોકી દેવાયા : તરવૈયાઓની ઠંડક ઉપર તરાપ!
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના 18 વોર્ડની વસતી ગણતરી કાર્યક્રમ-2027 સંદર્ભે તાલીમ શરૂૂ કરવામાં આવતાં મહાનગરપાલિકાના પાંચમાંથી ચાર સ્વિમિંગ પુલ આજથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે એક જ સ્વિમિંગપુલ હાલમાં કાર્યરત છે.
ઉનાળાના દિવસોમાં જ લોકો ઠંડક મેળવવા માટે સ્વીમીંગ પુલમાં જાય છે એવા સમયે જ સરકારી કામ માટે સ્ટાફને વસતી ગણતરીની તાલીમમાં રોકી દેવામા આવ્યા છે.
વસતી ગણતરી-2026 અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનના મહાનગરપાલિકા કચેરીના જ અંદાજે 1100થી વધુ કર્મચારીઓની વસતી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ શરૂૂ કરવામાં આવી છે. આ તાલીમમાં જે તે વોર્ડના વોર્ડ ઓફિસરો દ્વારા અલગ અલગ શાખાના કર્મચારીઓના તાલીમના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સ્વિમિંગપુલના ઇન્સ્ટ્રેક્ટરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ચાર સ્વિમિંગ પુલ તા. 18-19 અને 20 મે સુધી બંધ રાખવામાં આવ્યા છે.
જે સ્વિમિંગ પુલ બંધ રહેશે તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ (કાલાવડ રોડ), લોકમાન્ય તિલક (રેસકોર્સ), સરદાર પટેલ (કોઠારિયા), અને સ્વામિ વિવેકાનંદ સ્વિમિંગ પુલનો સમાવેશ થાય છે. જ્યારે સાધુુ વાસવાણી રોડ પર આવેલા જીજીબાઇ સ્વિમિંગપુલ કાર્યરત છે. મહાનગરપાલિકા હસ્તકના આ પાંચ સ્વિમિંગ પુલની આધુનિક સગવડોને કારણે કુલ 10,949 લોકો તેનો લાભ લે છે. જેઓને 32 ઈન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમ આપવામાં આવે છે. પાંચ સ્વિમિંગ પુલમાં કુલ 6537 પુરૂૂષો, 2665 મહિલાઓ અને 1747 બાળકો છે. આમાંથી 7767 તાલીમ લઇ રહ્યા છે. જ્યારે 3182 અનુભવી સ્વીમરો છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલીમ લઇ ચુકેલા 78 સ્વિમરો રાજ્ય, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યા છે.
