ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ગામના ઉપસરપંચ સહિત ચાર શખ્સોએ એકસંપ થઈ ખેડૂતના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના ધોકા વડે ખેડૂતને બેફામ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મૂક્યા હતા અને જતાં-જતાં ખેડૂત તથા તેમની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
આ બનાવ ની વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે રહેતા અને ખેતીકામ કરતા ઘનશ્યામભાઈ કરશનભાઇ નાયાણી ઉં.વ. 36 ને તેમના દાદા ભીખાભાઈ સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ કૌટુંબિક વાતચીત અંગે તેમના પાડોશમાં રહેતા લાલજીભાઈ ગામના ચોરા પાસે અન્ય લોકો સાથે ચર્ચા કરતા હતા. ઘનશ્યામભાઈએ આ બાબતની જાણ થતાં લાલજીભાઈને ઘરની આંતરિક બાબત બહાર ચોરા પર ન ચર્ચવા માટે વિનંતી કરી હતી. આ વાતનું ખોટું લગાડીને લાલજીભાઈએ તેમના પૌત્ર અને ગામના ઉપસરપંચ જગદીશ નાકરાણીને આ અંગે વાત કરી ઉશ્કેરણી કરી હતી.
પાડોશી લાલજીભાઈની વાતની દાઝ અને અદાવત રાખીને ઘનશ્યામભાઈ પોતાના ઘરે હાજર હતા, ત્યારે લાલજીભાઇના પૌત્ર અને ઉપસરપંચ જગદીશ કરશનભાઈ નાકરાણી, મહેશ નાકરાણી તથા અન્ય બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના ધોકા લઈને ઘનશ્યામભાઈના ઘરમાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ કંઈપણ પૂછ્યા વિના ઘનશ્યામભાઈ પર આડેધડ ધોકાના ઘા ઝીંકવાનું શરૂૂ કરી દીધું હતું.
આ હુમલા દરમિયાન ભારે બૂમાબૂમ થતાં ઘનશ્યામભાઈના માતા અને પાડોશની એક મહિલાએ વચ્ચે પડીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. બૂમો સાંભળી ગામના લોકો એકઠા થઈ જતાં ઉપસરપંચ સહિતના હુમલાખોરો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ઘનશ્યામભાઈને પ્રથમ વલ્લભીપુર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી હાલ તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂત ઘનશ્યામભાઈ નાયાણીની સત્તાવાર ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે દરેડ ગામના ઉપસરપંચ જગદીશ કરશનભાઈ નાકરાણી, મહેશ નાકરાણી અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ વલ્લભીપુર પોલીસ ચલાવી રહી છે.
