ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો : પાક.માં તમામ ઉડ્ડયનો રદ
ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ભારતના 26 સ્થળો પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા બાદ પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સેનાએ આજની વહેલી સવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, ચકવાલ લાહોર અને રાવલપિંડી શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં રાવલપિંડીમાં સ્થિત પાકિસ્તાનનું નૂર ખાન એરફોર્સ બેઝ પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ડ્રોન્સે સિયાલકોટ અને નરોવાલમાં પાકિસ્તાની ચોકીઓ અને ઈસ્લામાબાદમાં ડિપ્લોમેટિક એન્ક્લેવ નજીકની સેરેના હોટેલ પર પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં બહુવિધ વિસ્ફોટો સંભળાયા હતા – રાવલપિંડીમાં બે અને લાહોર અને ઈસ્લામાબાદમાં એક-એક વિસ્ફોટ થયો હતો. ભારતના હવાઈ હુમલા પછી ગભરાયેલા પાકિસ્તાને પોતાની એરસ્પેશ સંપૂર્ણપણે બંધ કરી છે. મતલબ કે ત્યાં કોઈપણ નાગરિક વિમાનો ઉડયન કરી રહ્યા નથી.
દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે, પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ, ISPRના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત તરફથી છ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. આ મિસાઇલો ભારત દ્વારા જાલંધરના આદમપુર એરબેઝ પરથી છોડવામાં આવી હતી.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાવલપિંડી અને રફીકી એરબેઝ પર થયેલા વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ ભારતીય સેનાએ જમ્મુ નજીક એક મોટા ઓપરેશનમાં પાકિસ્તાની ફ્રન્ટલાઈન પોસ્ટ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એ જ વિસ્તાર હતો જ્યાંથી ટ્યુબ લોન્ચ ડ્રોન દ્વારા ભારત પર હુમલા કરવામાં આવી રહ્યા હતા. સેના દ્વારા કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીમાં તે લોન્ચ સાઇટનો પણ સમાવેશ થાય છે જ્યાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ડ્રોન મોકલવામાં આવી રહ્યા હતા. આ કામગીરી સચોટ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી.
