હવે 206 બેઠકો પર ખરાખરીનો જંગ, 643 ઉમેદવારો મેદાનમાં
ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 210 બેઠકો પૈકી સિહોર, મહુવા, ભાવનગર ગ્રામ્ય અને જેસરની એક-એક મળી કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેસરની બેઠક બિનહરીફ થતા હવે બાકી રહેલી 206 બેઠકો પર આગામી 26મી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો, ભારતીય જનતા પાર્ટી તમામ 206 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ 203 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 166 બેઠકો પર મેદાનમાં છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના 11, સામ્યવાદી પક્ષના 1 અને 52 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 643 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ જામશે.
જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 136 ઉમેદવારો
ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે, જ્યાં કુલ 136 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો તમામ 40 બેઠકો પર લડશે, જ્યારે આમ આદમી પાર્ટી 39 બેઠકો પર ચૂંટણી લડશે. અહીં 15 અપક્ષો અને અન્ય 2 પક્ષોના ઉમેદવારો મેદાનમાં હોવાથી ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
