ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ચાર ઝડપાયા, 1.48 લાખનો દંડ વસૂલ્યો

ગીર પશ્ચિમ વનવિભાગ હેઠળની ડેડકડી રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના ઇરાદે જંગલમાં પ્રવેશ કરનારા ચાર ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂૂ. 1.48…

ગીર પશ્ચિમ વનવિભાગ હેઠળની ડેડકડી રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના ઇરાદે જંગલમાં પ્રવેશ કરનારા ચાર ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂૂ. 1.48 લાખનો દંડ વસૂલી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ અને મદદનીશ વન સંરક્ષક, વિસાવદરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડેડકડી રેન્જની કેનેડીપુર રાઉન્ડની ઝીંઝુડા બીટના કાર્યક્ષેત્રમાં આવતા ઝીંઝુડા વીડીના આરક્ષિત જંગલ વિસ્તારમાં આ ચાર ઇસમો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રાજગઢ ગામના ત્રણ ઈસમો પ્રશાંત વિનોદ પારખીયા (ઉં.વ. 41), કેતન જેન્તી લક્કડ (ઉં.વ. 41) અને કૈલાશ વલ્લભ કોટડીયા (ઉં.વ. 36)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામનો સ્થાનિક યુવાન ભરત નરસિંહ રાનેરા (ઉં.વ. 36) પણ પકડાયો હતો.

વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 અને ભારતીય વન અધિનિયમ-1927ની વિવિધ કલમો હેઠળ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી રૂૂ. 1,48,000/- (એક લાખ અડતાલીસ હજાર રૂૂપિયા)નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં RFO એચ.ડી. ગલચર, ફોરેસ્ટર એમ.એન. સોલંકી, ફોરેસ્ટ ગાર્ડ એસ.એસ. સિસોદિયા, ડી.કે. સિસોદિયા, પી.જે. પરમાર અને ટ્રેકર સ્ટાફ સામેલ હતા. હાલ ઉનાળાના વેકેશન દરમિયાન બહારના પ્રવાસીઓને કેટલાક સ્થાનિકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવા જંગલમાં લઈ જાય છે. ગીરના અમુક ચોક્કસ વિસ્તારોમાં થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *