ગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંક

  ગોંડલ શહેરમાં રાજકીય અદાવતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળવાનો ખાર રાખી એક શખ્સે ટીકીટ મેળવનાર ઉમેદવારના ભત્રીજા…

 

ગોંડલ શહેરમાં રાજકીય અદાવતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળવાનો ખાર રાખી એક શખ્સે ટીકીટ મેળવનાર ઉમેદવારના ભત્રીજા 15 વર્ષીય સગીરને આંતરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે ગોંડલ સીટી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલમાં રહેતા અફસાનાબેન દાઉદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો 15 વર્ષીય પુત્ર સોહીલ 14 એપ્રિલ 2026ના રોજ સવારે 11:00 વાગ્યે મોટરસાયકલ લઈને તેમની દુકાને જઈ રહ્યો હતો. જ્યારે તે ગોંડલ સરકારી હોસ્પિટલ ચોક પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં રહેતા ઈરફાન ગફાર ઉર્ફે ’ડોન’ ચૌહાણે પોતાના બુલેટ વડે સોહીલનો પીછો કર્યો હતો.

ઈરફાને સોહીલની મોટરસાયકલ નજીક આવી તેને બિભત્સ ગાળો આપી હતી અને “ગાડી ઉભી રાખ, તને અહીં છરીના ઘોકા મારી દેવા છે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલો સોહીલ ત્યાંથી ભાગીને સીધો પોતાની દુકાને પહોંચ્યો હતો અને પરિવારને જાણ કરી હતી. આ હુમલાના પ્રયાસ પાછળ નગરપાલિકાની ચૂંટણીનું રાજકારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ઈરફાનની માતા હાજરાબેન અગાઉ નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, આ વખતની ચૂંટણીમાં હાજરાબેનને ટિકિટ મળી ન હતી, જ્યારે ફરિયાદી અફસાનાબેનના જેઠ સલીમભાઈ ચૌહાણને ટિકિટ મળી હતી. આ ટિકિટની ફાળવણીને લઈને આરોપી ઈરફાન મનદુખ રાખતો હતો અને તે જ કારણોસર તેણે સગીર સોહીલને નિશાન બનાવ્યો હતો. ફરિયાદી અફસાનાબેનની રજૂઆતના આધારે ગોંડલ સીટી પોલીસે આરોપી ઈરફાન ગફાર ઉર્ફે ડોન સામે બી.એન.એસ.ની કલમ 352 અને 351(3) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *