“સંસ્કાર” પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર વિબોધ દોશીએ આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ આગામી તા.14 ના સુનાવણી થશે તેમ જણાવ્યું છે. ડયુઅલ મેમ્મબરશીપ એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેન્કના મેમ્બર હોય અને અન્ય સહકારી બેન્કમાં મેમ્બરશીપ ધરાવતા હોય તે કારણથી “સંસ્કાર” પેનલના સર્વ કલ્પક મણિઆર, મિહિર મણિઆર, હિમાંશુ ચિનોય તેમજ નિમીશ કેસરીયાના ઉમેદવારી પત્રો રદ થયેલ હતા.
રાજકોટ નાગરિક સહકારી બેન્કના તમામ 21 ડિરેકટરો માટે આગામી તા.17 ના મતદાર યોજાવાનો સત્તાવાર કાર્યક્રમ અગાઉથી જાહેર થઈ ગયેલ છે. પરંતુ આ ચૂંટણીમાં અનેક પ્રકારના કાનૂની જંગ શરૂ થયેલ છે જેનું મુખ્ય કારણ એ છે કે બેન્કમાં બધુ રિઅલ બેન્કિંગ પ્રમાણે ચાલતું અને બિનહરીફ ચૂંટણી થતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતથી અનેક કૌભાંડોની હારમાળા બહાર આવતી રહે છે. જેમાં કોઈ જ જાતના પગલા લેવાયા નથી અને બધુ છાવરવામાં આવે છે, જેથી ચૂંટણીની નોબત આવેલ છે. શ્રી કલ્પકભાઈ મણિઆરે પોતાની ડિરેકટર તરીકેની ફરજ બજાવીને આંતરિક રીતે છેલ્લા એકાદ વર્ષથી બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટીંગોમાં આધાર પૂરાવાઓ સાથે સતત હકિકતો રજુ કરેલ હતી.
કલ્પકભાઇએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા સહિત અનેક સક્ષમ ઓથોરિટીઓ સમક્ષ બેન્કની આ ગંભીર બાબતે ધ્યાન દોરેલ છે. જેની નોંધ લઈ કાર્યવાહી પણ ચાલે છે. દરમ્યાનમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા બેન્કના હિત રક્ષકોએ સાથે મળીને કલ્પભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું નકકી કરેલ. આ હિત રક્ષકોના મોટા સમુદાય માંહેથી 15 ડેલીગેટોએ ઉમેદવારી પત્રો નોંધાવેલ. જેમાંથી 11 માન્ય રહેલ છે. હાલમાં “સંસ્કાર” પેનલના આ 11 ઉમેદવારો તેમજ સંપૂર્ણ ’સંસ્કાર’ પરિવારના સેંકડો કાર્યકર્તાઓ કલ્પકભાઇના નેતૃત્વમાં ચૂંટણી જીતવા માટે મતદારોને રૂૂબરૂૂ મળીને અપીલ કરી રહેલ છે. ચૂંટણીમાં ગુપ્ત મતદાન થવાનું હોવાથી “સંસ્કાર” પેનલને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહેલ છે.
હાઇકોર્ટમાં પિટીશન રજુ કરવાનો મજબુત, કાયદાકીય તેમજ ન્યાય સંગત તારણ છે. જે લોકો વર્ષોથી બેન્કમાં મુખ્ય સંચાલકો છે તેઓએ કૌભાંડમાં સંડોવાયેલા બેન્કના ઉચ્ચ અધિકારીઓ તેમજ લોન લેવામાં બહારના જે પાત્રોએ ભૂમિકા ભજવેલ છે તેની સામે કોઈ પગલા લેવાને બદલે છાવરવાનું કામ કર્યું છે.
નવાઈની વાત એ છે કે “સંસ્કાર” પેનલના રદ થયેલા ચાર ઉમેદવારો ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે તેવો વાંધો સામૂહિક રીતે સહકાર પેનલના 21 ઉમેદવારોએ ઉઠાવેલ હતો. આ 21 માંહેના 10 થી વધુ ઉમેદવારો પોતે ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે. સહકાર પેનલ અને તેના નેતાઓ શું એવુ માને છે કે પોતાને આર્ટીકલ 370 મુજબ જેમ કાશમીરને ભૂતકાળમાં વિશેષ દરજ્જો મળે તેઓ કોઇ દરજ્જો મળેલ છે ?.
અતિ અગત્યની અને ચોંકાવનારી હકિકતો એ છે કે નાગરિક બેન્કના હાલના 332 ડેલીગેટો એટલે કે મતદારો માંહેથી 80 થી વધુ ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે. એટલે કે 80 થી વધુ લોકો વિજય બેન્ક, રાજ બેન્ક કે અન્ય સહકારી બેન્કોમાં પણ મેમ્બરશીપ ધરાવે છે. અત્રે કાનુની અને ન્યાયપૂર્ણ પ્રશ્ન એ છે કે આ 80 ઉપરાંતથી વધુ ડેલીગેટો માંહેથી માત્ર 4 ડેલીગેટો એટલે કે “સંસ્કાર” પેનલના રદ થયેલા કલ્પકભાઈ સહિતના ઉમેદવારોને ડયુઅલ મેમ્બરશીપ શા માટે લાવવું ? અન્ય 10 ઉમેદવારો અને બાકીના ડેલીગેટો એટલે કે કુલ મળીને 80 ઉપરાંતના ડેલીગેટો ડયુઅલ મેમ્બરશીપના કારણે સત્વરે રદ થવા જોઈએ તેવી સ્પષ્ટ વાત વિબોધ દોશીએ જણાવેલ છે.
મિહીર મણિઆર દ્વારા રાજકોટ કલેકટરને હાઈકોર્ટની કાર્યવાહી બાદ જરૂૂરી હાઈકોર્ટની નોટીસ તેમજ અન્ય કાયદાકીય લેખિત અરજીઓ કરી દીધેલ છે. જેમાં હિમાંશુ ચિનોઈ, નિમીશ કેસરીયા, કલ્પક મણિયાર તેમજ મિહીર મણિઆર જાતેના ઉમેદવારી પત્રોની માન્યતા અંગે કાયદાકીય હકિકતો દર્શાવાયેલ છે.