છ માસમાં 40 ટકા જેવો તોતિંગ ઘટાડો: મહારાષ્ટ્ર પ્રથમ, કર્ણાટક બીજા સ્થાને પહોંચી આશ્ર્ચર્ય સજર્યુ
અમેરિકાએ ટેક્સટાઇલ-કેમિકલ સેકટર ઉપર ટેરિફ લાદતા ગુજરાતને વધુ અસર
ભારતના ઔદ્યોગિક વિકાસના એન્જિન ગણાતા ગુજરાત માટે આર્થિક મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સરકારી આંકડાઓ અનુસાર, વિદેશી પ્રત્યક્ષ રોકાણ મેળવવામાં ગુજરાત દેશના ટોચના પાંચ રાજ્યોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ માસ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન રાજ્યમાં આવતા વિદેશી રોકાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ગુજરાત હવે આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવી ગયું છે, જે અગાઉના વર્ષોમાં હંમેશા ટોચના સ્થાનો પર રહેતું હતું.
આંકડાકીય વિશ્ર્લેષણ કરવામાં આવે તો, એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુજરાતમાં કુલ 2.39 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. જો તેની સરખામણી પાછલા વર્ષના સમાન ગાળા સાથે કરવામાં આવે, તો ગત વર્ષે આ આંકડો 3.94 અબજ ડોલર હતો. આમ, એક વર્ષમાં જ ગુજરાતના એફડીઆઇ ઇનફ્લોમાં અંદાજે 39.5% ટકાનો માતબર ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ જ્યારે અન્ય રાજ્યો નીચા બેઝ પર મજબૂત રિકવરી દર્શાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં થયેલો આ ઘટાડો નીતિ નિર્ધારકો માટે વિચારવા જેવો વિષય બન્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઓક્ટોબર 2019થી અત્યાર સુધીના સંચિત (Cumulative) રોકાણની દ્રષ્ટિએ ગુજરાત હજુ પણ દેશમાં ત્રીજા સ્થાને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં સફળ રહ્યું છે.
FDI મેળવવામાં મહારાષ્ટ્ર હજુ પણ દેશમાં પ્રથમ ક્રમે અકબંધ છે. મહારાષ્ટ્રમાં આ છ મહિના દરમિયાન 13.51 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. ત્યારબાદ કર્ણાટકે આશ્ચર્યજનક ઉછાળો નોંધાવતા 11.25 અબજ ડોલર સાથે બીજું સ્થાન મેળવ્યું છે. તમિલનાડુ (4.34 અબજ ડોલર), દિલ્હી (3.94 અબજ ડોલર) અને હરિયાણા (3.53 અબજ ડોલર) પણ આ યાદીમાં ગુજરાત કરતા આગળ નીકળી ગયા છે. ખાસ કરીને હરિયાણા અને કર્ણાટક જેવા રાજ્યોએ જે રીતે વિદેશી રોકાણકારોને આકર્ષવામાં સફળતા મેળવી છે, તેની સીધી અસર ગુજરાતના રેન્કિંગ પર જોવા મળી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક રોકાણકારો હવે અન્ય રાજ્યોના ઈકોસિસ્ટમ અને વિવિધ સેક્ટરોમાં પણ રસ દાખવી રહ્યા છે.
ગુજરાતમાં રોકાણ ઘટવા પાછળ નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ વિવિધ કારણો જવાબદાર ગણાવી રહ્યા છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) ગુજરાતના ચેરપર્સન પથિક પટવારીના જણાવ્યા મુજબ, ટેક્સટાઈલ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટેરિફની અસર જોવા મળી છે. ગુજરાત આ બંને ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર હોવાથી બજારની નબળી સ્થિતિને કારણે નવા રોકાણો અટકી પડ્યા છે. આ ઉપરાંત, સેમિક્ધડક્ટર અને એન્જિનિયરિંગ જેવા મોટા પ્રોજેક્ટ્સ અત્યારે પાઈપલાઈનમાં છે અથવા એક્ઝિક્યુશન ફેઝમાં છે. આ પ્રોજેક્ટ્સમાં મૂડી ખર્ચ (Capex) થઈ રહ્યો છે, પરંતુ તે હજુ સુધી નવા ઇક્વિટી રોકાણ તરીકે FDI ના આંકડાઓમાં દેખાતું નથી. આ સાથે ’હાઈ બેઝ ઇફેક્ટ’ પણ એક કારણ છે, કારણ કે અગાઉના વર્ષોમાં ગુજરાતે ખૂબ જ મોટું રોકાણ મેળવ્યું હતું.
રાજ્યની અંદરના રોકાણની વાત કરીએ તો, અમદાવાદ હજુ પણ ગુજરાતનું ’ઇન્વેસ્ટમેન્ટ મેગ્નેટ’ સાબિત થયું છે. રાજ્યમાં આવેલા કુલ FDI માં સિંહફાળો અમદાવાદનો છે, જ્યાં અંદાજે 1.89 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. ત્યારબાદ વલસાડ, વડોદરા, સુરત અને કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ આવે છે. જોકે, રાજ્ય સરકાર હવે હોસ્પિટાલિટી અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સની તૈયારીઓ અને ગિફ્ટ સિટીમાં લિકર પ્રોહિબિશનના નિયમોમાં મળેલી છૂટછાટને કારણે આગામી સમયમાં રિયલ એસ્ટેટ અને સર્વિસ સેક્ટરમાં મોટું વિદેશી રોકાણ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

