રાષ્ટ્રહિત માટે તે દોડે છે…સાઇકલ ચલાવે છે અને માઉન્ટ એવરેસ્ટ કરે છે સર

એવરેસ્ટ સર કરતી વખતે બરફના કારણે નિશા કુમારીને ફ્રોસ્ટ બાઈટ થતાં હાથની 9 આંગળીના ટેરવા સર્જરીથી કરવા પડ્યા દૂર છતાં હિંમત હાર્યા નહીં કલાયમેટ ચેન્જ…

એવરેસ્ટ સર કરતી વખતે બરફના કારણે નિશા કુમારીને ફ્રોસ્ટ બાઈટ થતાં હાથની 9 આંગળીના ટેરવા સર્જરીથી કરવા પડ્યા દૂર છતાં હિંમત હાર્યા નહીં

કલાયમેટ ચેન્જ માટે ત્રણ ખંડો અને 16 દેશોને આવરી લેતી વડોદરાથી લંડન એક અદ્ભૂત સાઇક્લિગં યાત્રા પૂર્ણ કરી હતી નિશા કુમારીએ

ક્યારેક તેઓ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહન આપે છે તો ક્યારેક ક્લાયમેટ ચેન્જ બાબત જાગૃતિની વાત કરે છે. મતદાનની ફરજ નિભાવવા પણ તેઓ લોકોને પ્રેરણા આપે છે. વૃક્ષો વાવવા સાથે તે ફીટ રહેવા ફીટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવે છે. મહિલા સશક્તિકરણ માટે પણ તેઓ પ્રયત્નશીલ રહે છે. ક્યારેક સ્વચ્છતાનું અભિયાન ચલાવતા પ્લાસ્ટિક કચરો પણ વીણે છે અને આ બધા માટે તેણી ક્યારેક દોડ લગાવે છે તો ક્યારેક લંડન સુધી સાઇકલ લઈને પહોંચે છે તો ક્યારેક લગાવે છે પર્વત પર ચડવા માટેની હોડ. આ વાત છે વડોદરાના નિશાકુમારી યાદવની કે જેમણે નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. તેઓએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે, તેઓ સ્પોર્ટ્સ વૂમન છે, તેઓ સાઇક્લિસ્ટ પણ છે.આ બધું કરવા પાછળ તેમનો ઉદેશ્ય રાષ્ટ્ર માટે,પર્યાવરણ માટે અને સમાજ માટે કંઈક કરી છૂટવાનો છે.

માતા સોના દેવી અને પિતા દીવાન ચંદ ગૌતમ. બે ભાઈ વચ્ચે નિશા કુમારી એક બહેન. પિતા એરફોર્સમાં હતા તેમની પાસેથી ડીસીપ્લિન અને ગૃહિણી એવા માતા તરફથી દરેક પ્રકારનો સાથ અને સહકાર મળ્યો. તેમના ડાયેટનો બધો જ ખ્યાલ માતા રાખે છે. માઉન્ટ એવરેસ્ટ વખતે ફ્રોસ્ટ બાઈટના કારણે નવ આંગળીઓના ટેરવા ગુમાવ્યા ત્યારે માતાએ જ બધી કાળજી રાખી હતી.સકારાત્મક વિચારશૈલી ધરાવતા નિશા દેખાવે જેટલા કોમળ છે એટલા જ મક્કમ ઈરાદા અને મજબૂત મનોબળ ધરાવે છે.જ્યારે એવરેસ્ટ સર કર્યું ત્યારે બરફના કારણે બંને હાથની આંગળીઓના ટેરવા થીજી ગયા હતા જે ઉપરથી કાપીને સર્જરી કરાવવી પડી હોવા છતાં હાર માની ન હતી. આંગળીના ટેરવા કપાયેલ હોવાના કારણે સાઇકલમાં બ્રેક મારવામાં પણ તકલીફ પડે છે છતાં તાજેતરમાં “પેડલ ટુ પ્લાન્ટ” અભિયાન હેઠળ કોચ નીલેશભાઈ બારોટ,તેમની 8 વર્ષની દીકરી નિક્સા બારોટ, અંજનાબેન સાથે અરુણાચલ પ્રદેશથી મુન્દ્રા, ગુજરાત સુધીની 4555.8 કિમીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક સફર સફળતાપૂર્વક તેઓએ પૂરી કરી હતી. તેની સાથે સાથે 1 લાખથી વધુ વૃક્ષારોપણ કરી સાઇક્લિગંના ક્ષેત્રમાં એક નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો.

‘ચેન્જ બીફોર ક્લાયમેટ ચેન્જ’ ઉદ્દેશ્યને લઈને 2024-2025માં ત્રણ ખંડો અને 16 દેશોને આવરી લેતી ભારતથી લંડન સુધીની એક અદ્ભૂત સાઇક્લિગં યાત્રા તેઓએ કોચ નિલેશભાઈ બારોટ સાથે કરી હતી. સમગ્ર વિશ્વમાં જાગૃત્તિ લાવવા વડોદરાથી લંડન સુધીની 16 હજાર કિમીની સાઇકલ યાત્રા બાબત નિશાકુમારીએ જણાવ્યું કે, નેપાળ, ચીન, રશિયા, લીબિયા, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, યુકે, લંડન સહિત દેશોમાં ફરી 210 દિવસે પહોંચ્યા હતાં. ઘણીવાર ભૂખ્યાપેટે સૂઈ રહેવું પડતું. પ્રવાસ દરમિયાન ભાષા, ભોજન, વિઝા, દસ્તાવેજો રજૂ કરવા તેમજ વિષમ વાતાવરણ જેવી તકલીફો પડી. પોતાની પેડલ ટુ પ્લાન્ટ યાત્રા વિશે જણાવ્યું કે લગભગ તમામ દેશોમાં ક્લાયમેટ ચેન્જનો પ્રભાવ જોવા મળે છે. રશિયા સહિતના યુરોપના દેશોમાં બરફ વર્ષા ઘટી છે.

આ અસરોથી બચવા ક્લાયમેટ ચેન્જ અટકાવવા આદતો બદલવાની જરૂૂર છે. ભારતમાં પણ સાઇકલ પ્રવાસ વખતે જ્યાં ગરમીની અપેક્ષા હતી ત્યાં ઠંડી અને ક્યારેક વરસાદ પણ જોવા મળતો. પોતાના ગિરનાર પ્રવાસની યાદ તાજી કરતા તેમણે જણાવ્યું કે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ કર્યું હતું. બેકપેક અને જેકેટ સહિત અંદાજે 15 કિલો વજન લઈને ગરવા ગિરનારના આરોહણ અને અવરોહણનું આ સાહસ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન લગભગ 11કિમીથી વધુ અંતર કાપ્યું હતું.

12 કલાકની સતત દોડ માટે બનાવ્યો રેકોર્ડ
પ્રથમ વખત 2020 માં વડોદરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12 કલાકની દોડ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તેઓ નાની ઉંમરના પ્રથમ વ્યક્તિ હતા. બીજી વખત 2021ના રોજ (માતૃ દિવસ) નૈની તળાવ, નૈનીતાલ ખાતે, જ્યાં 76.59 કિમી એકલા દોડ્યા અને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું. વરસાદ છતાં સતત દોડવાનું ચાલુ રાખી દોડ પૂર્ણ કરી હતી. આ ઉપરાંત 2021માં 14 ઓગષ્ટ, સાંજે 5 વાગ્યાથી 15 ઓગષ્ટ, સવારે 5 વાગ્યા સુધી (82 કિમી આવરી લેતા) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પ્રતાપનગર, વડોદરા ખાતે 12 કલાકની દોડ પૂર્ણ કરી.

કોવિડ રસીકરણ જાગૃતિ માટે 590 કિ.મી સાઇકલ યાત્રા
’રાઈડ ફોર નેશન રાઈડ ફોર વેક્સિનેશન’ આ સૂત્ર સાથે તેઓએ મનાલીથી લેહથી ખારદુંગ લા અને રોહતાંગ થઈને લેહ પાછા ફરતી સાયકલ યાત્રામાં 10 દિવસમાં 590 કિમીનું અંતર કાપ્યું હતું આ યાત્રા “COVID-19”  રસીકરણ જાગૃતિ કાર્યક્રમ” નો ભાગ હતી, જેમાં તેઓએ મનાલીથી લેહ સુધીના દરેક ગામમાં રસીકરણ વિશે જાગૃતિ ફેલાવી હતી. તેઓએ કેદારકાંઠા પર ઘણી વખત શિખર સર કર્યું છે, જેમાં ફક્ત 18 કલાકમાં બે વાર શિખર સર કર્યા હતા. જાન્યુઆરી 2021 માં, શિખર પર 50 ફૂટ લાંબો ધ્વજ ફરકાવ્યો અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું તેમજ સમગ્ર રૂૂટ પર પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો જેની વન વિભાગની ટીમે પણ પ્રશંસા કરી હતી. પોતાની સફળતાનું શ્રેય તેઓ પોતાના માતા,ભાઈ તથા કોચ નિલેશભાઈ બારોટને આપે છે પર્યાવરણ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે હજુ તેઓને ઘણું કરવું છે. વંચિત સમુદાયોનું જીવન ધોરણ ઊંચું લાવવા પ્રયત્નશીલ નિશાકુમારીનું સ્વપ્ન દરેક પર્વતારોહકની જેમ સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ કરવાનું છે તેમજ પોતાનું રક્ષણ કરવા અને અન્યને મદદ કરવા દીકરીઓ માટે સ્વ-રક્ષણ ટીમ બનાવવાની ઈચ્છા છે. તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *