ભાવનગરમાં બેંક મેનેજર સહિત બે વચેટિયાએ એક કરોડનું કૌભાંડ આચર્યુ હતું : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત કાર્યવાહી
24 જેટલા ગ્રાહકોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સરકારની જુદી જુદી લઘુ ઉદ્યોગ પેટે અપાતી લોનના ખોટા બિલો, ખોટા ક્વોટેશનો થકી સરકાર સાથે એક કરોડથી વધુની ઉચાપત કરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. હાલ આ બન્ને આરોપી જેલમાં છે ત્યારે તપાસ દરમિયાન આરોપીની વધુ પૂછપરછની જરૂૂર જણાતા પોલીસે આજે આ બન્ને આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે આ બનાવમાં સંડોવાયેલ મહિલા આરોપી શ્વાતીબહેન સવાણીને હાઇકોર્ટમાંથી જામીન મળતા પોલીસે આજે તેની ધરપકડ કર્યા બાદ તેને જામીન પર મુક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં મોખડાજી સર્કલ પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના તત્કાલિન બ્રાંચ મેનેજર તેમજ ક્રેડીટ ઓફિસર અને બે વચેટીયાઓ દ્વારા એક કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવતાં આ બનાવ અંગે પોલીસે 28 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ કૌભાંડમાં અગાઉ બેંકના બ્રાન્ચ મેનેજર તેમજ હિતેશ દલપતભાઈ ગલચર અને રમેશ જાવિયા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં આ કૌભાંડની તપાસ કરી રહેલા પીએસઆઇ વી.વી.ધ્રાંન્ગુને તપાસ દરમિયાન આરોપી રમેશ જાવીયા અને હિતેશ ગલચરે કેટલીક મહત્વની વિગતો છુપાવી હોવાનું જણાતા બન્ને આરોપીની વધુ પૂછપરછની જરૂૂરયાત જણાતા તેમણે આરોપીના વધુ રિમાન્ડની માંગણી કરતા તેમાં સરકારી વકીલ ગાવીત હાજર રહ્યા હતા અને ન્યાયાધીશે બન્ને આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાનો કાયદો અસ્તિત્વમાં આવતા તેમાં જોગવાઇ કરવામાં આવી છે કે, આરોપી જો જેલમાં હોય અને 60 દિવસમા તેની વધુ પૂછપરછની જરૂૂર જણાય તો તપાસ અધિકારી રિમાન્ડ મેળવી શકે. આ નવી જોગવાઇ અંતર્ગત પોલીસે પ્રથમ વખત 40 દિવસ પહેલા જેલમાં ગયેલા 2 આરોપીનો કબજો મેળવી 4 દિવસના રિમાન્ડ લીધા છે.