રાજકોટમાં ઘર આંગણે ફૂડ સેમ્પલના ઝડપી પરિણામો માટે મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી બનાવવા માટે માંગવામાં આવેલી મંજૂરી સરકારે આપી દેતા રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
મહાનગરપાલિકાએ અગાઉ જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજકોટમાં ફૂડ લેબોરેટરી સ્થાપવા મંજૂરી માંગી હતી. ત્યારબાદ તાજેતરમાં ઠરાવ કરીને ફૂડ ગુણવતાના કાયદા વધુ કડક બનાવવા સરકારમાં દરખાસ્ત કરી છે.
રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા હવે રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક ફૂડ લેબોરેટરી બનશે.
શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ અત્યાર સુધી બરોડા સરકારી લેબમાં પૃથક્કરણ માટે મોકલાતા હતાં, જેનો રિપોર્ટ આવતાં એકથી ત્રણ મહિના જેટલો સમય લાગી જતો હોવાથી મિલાવટખોરોને છટકબારીનો લાભ મળી જતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે સૌરાષ્ટ્રમાં ફૂડ લેબોરેટરીની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને ધ્યાને રાખીને સરકારે રાજકોટમાં સૌરાષ્ટ્રની એક માત્ર આધુનિક ફૂડ લેબોરેટરી કાર્યરત કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ નવી લેબ શરૂૂ થવાથી તમામ મનપા અને નગરપાલિકાઓને તેનો લાભ મળશે, જેમાં ખાદ્ય પદાર્થનો પ્રાથમિક રિપોર્ટ માત્ર એક કલાકમાં અને સંપૂર્ણ સેમ્પલ રિપોર્ટ થોડા દિવસમાં જ મળી જશે.
રાજકોટમાં માત્ર 4 મહિનામાં જ 14,520 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 50 પેઢીને સીલ કરવામાં આવી છે. એટલું જ નહીં સ્વચ્છતા નહીં જાળવતા તેમજ ભેળસેળ કરનારા વેપારીઓ પાસેથી રૂ.11 લાખથી વધુની વસુલાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 289 નમૂનાઓ લેવાયા છે. મોચીબજારમાં સંયુક્ત દરોડા પાડીને પ્રથમવાર 1,500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરાયો છે. રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ ચારેક મહિના પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી તૂટી પડવા આદેશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ શહેરમાં ફૂડ ચેકીંગની ઝુંબેશ પૂરજોશમાં શરૂૂ કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો મળી રહે તથા ખાદ્ય ચીજોમાં વેડા કે ચેડાં કરતા તત્વો સામે દાખલારૂૂપ દંડાત્મક કાર્યવાહી કરવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા શહેરભરમાં અવિરત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
