ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણના મેદાને ઉતર્યા છે. ભાજપે ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 માંથી રાજલ બારોટને ટિકિટ આપી છે. ફોર્મ ભરતા પહેલા રાજલ બારોટે પોતાના પરિવારના સભ્યોના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. એક લોકપ્રિય ગાયિકા તરીકે જાણીતા રાજલ બારોટના આ નવા કદમથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.રાજલ બારોટ ગુજરાતના જાણીતા લોકગાયક મણિરાજ બારોટના પુત્રી છે. મણિરાજ બારોટ ગુજરાતના લોકસંગીત અને ખાસ કરીને ’હેલો’ તથા ’ગરબા’ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા હતા. પિતાના વારસાને રાજલ બારોટે ખૂબ જ સુંદર રીતે આગળ ધપાવ્યો છે.
રાજલ બારોટે ખૂબ જ નાની ઉંમરથી ગાવાની શરૂૂઆત કરી હતી. રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. આજે પિતાના પગલે ચાલી રાજલ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યુ મળી ચૂક્યા છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન તેમના ગરબા ખૂબ જ લોકપ્રિય હોય છે. તેમના ’મોગલ મા’, ’દશા મા’ અને અન્ય લોકગીતોના આલ્બમ્સ યુટ્યુબ પર મિલિયન વ્યૂઝ ધરાવે છે. રાજલ બારોટ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ખાસ કરીને યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમની ગાવાની શૈલીમાં ગંભીરતા અને પરંપરાગત ગુજરાતી સંસ્કારોની ઝલક જોવા મળે છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.
