ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ પંથકમાં મેઘરાજાએ મોં ફેરવી લેતાં સમગ્ર પંથક ભારે જળસંકટ અને ઘાસચારાની તીવ્ર અછત તરફ ધકેલાયું છે. માત્ર 20 જ દિવસના ટૂંકા ગાળામાં નીણ (ચારા)ના ભાવમાં સીધો અઢી ગણો ઉછાળો નોંધાયો છે. 20 દિવસ પહેલાં જે નીણનો મણદીઠ કે 20 કિલોનો ભાવ રૂૂ. 60 બોલાતો હતો, તે આજે વધીને રૂૂ. 140થી 160 સુધી પહોંચી ગયો છે.
વરસાદની ખેંચના કારણે ખેતરોમાં મોલ સુકાઈ રહ્યા છે અને પશુઓ માટે ચરિયાણ જમીન પર ઘાસનું એક તણખલું પણ બચ્યું નથી. બહારના જિલ્લાઓ કે રાજ્યોમાંથી ઘાસચારો મંગાવવા માટે ઊંચું ભાડું ચૂકવવું પડી રહ્યું છે, જેના કારણે વેપારીઓ પણ ઊંચા ભાવે ચારો વેચવા મજબૂર બન્યા છે. આ ભાવવધારાએ પશુપાલકો, ખેડૂતો અને માલધારી સમાજની કમર ભાંગી નાખી છે. દૈનિક કમાણી સામે પશુઓને સાચવવાનો ખર્ચ વધી જતાં પશુપાલનનો વ્યવસાય હવે ખોટનો ધંધો બની રહ્યો છે.
સૌથી વધુ વિષમ પરિસ્થિતિ ગૌશાળાઓ અને પાંજરાપોળોની થઈ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સેંકડો ગૌશાળાઓમાં હજારો નિરાધાર અને અશક્ત પશુઓ આશ્રય લઈ રહ્યા છે. દાન અને લોકસહયોગ પર નભતી આ સંસ્થાઓ માટે અચાનક ભાવ અઢી ગણા થઈ જતાં દૈનિક ખર્ચનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઘણી ગૌશાળાઓ પાસે હવે પશુઓને પેટભર નીણ આપવાના પણ ફાફા પડી રહ્યા છે.
આ સિવાય, ઘાસચારાના અતિશય ઊંચા ભાવને કારણે પશુપાલકો પશુઓને પૂરો ખોરાક આપી શકતા નથી, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે. દૂધનું ઉત્પાદન ઘટવાની સાથે જ પશુપાલનનો પડતર ખર્ચ વધી જતાં આગામી દિવસોમાં દૂધ અને દૂધની બનાવટોના ભાવમાં પણ વધારો થવાની પૂરતી શક્યતાઓ વર્તાઈ રહી છે.
રાજ્ય સરકાર રાહતદરે ઘાસચારો આપવાની વ્યવસ્થા કરે તેવી માગણી
માલધારી સંગઠનો, ખેડૂત આગેવાનો અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરીને રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવે તેમજ વિવિધ તાલુકા મથકોએ ’સરકારી ઘાસ ડેપો’ શરૂૂ કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠી રહી છે. જો આગામી દિવસોમાં સરકારી સહાય કે વરસાદી રાહત નહીં મળે, તો માલધારીઓએ હિજરત કરવાની નોબત આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
