જામનગર શહેરને હચમચાવી નાખનાર સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાના પ્રયાસના એક કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને પીડિત સગીરાને વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. ન્યાયાલયના આ નિર્ણયથી પીડિતા અને તેના પરિવારને ન્યાય મળ્યો છે.
આ કેસની વિગત મુજબ, સમગ્ર ઘટના આજથી લગભગ સાડા ત્રણ વર્ષ પૂર્વે, તા 24/11/2021 ના રોજ સાંજે બની હતી. શહેરના એક વિસ્તારમાં રહેતી સાત વર્ષની બાળકી પોતાના નાનીના ઘરે જઈ રહી હતી. તે સમયે આ કેસના આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણા (જે મૂળ રાજકોટના ચુનારાવાડાના રહેવાસી છે અને હાલ જામનગરમાં રહે છે) બાળકીને મળ્યો હતો. નરાધમ આરોપી રાજેશ મકવાણાએ નિર્દોષ બાળકીને પતંગ આપવાની લાલચ આપી અને પોતાના ઘરમાં લઈ ગયો હતો. ઘરમાં લઈ જઈને આરોપીએ બાળકીને પોતાના ખોળામાં બેસાડી હતી અને ત્યારબાદ તેને સેટી પલંગ ઉપર સુવડાવી હતી. આરોપી દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવતા ડઘાઈ ગયેલી બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકીની ચીસો સાંભળીને આરોપી રાજેશ મકવાણા હેબતાઈ ગયો હતો અને તેણે તરત જ બાળકીને છોડી દીધી હતી. આ ઘટનાથી બાળકી માનસિક રીતે ખૂબ જ ભાંગી પડી હતી.
આ ગંભીર બનાવ અંગે બાળકીના વાલી દ્વારા તાત્કાલિક જામનગર શહેરના સીટી પસીથ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ વી. પી. અગ્રવાલ સમક્ષ ચાલી ગયો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારી વકીલ દ્વારા સરકાર તરફે મજબૂત દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષ દ્વારા કુલ 11 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને વિવિધ દસ્તાવેજી પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણાને સગીરા સાથે બળજબરી કરવાના પ્રયાસના ગુનામાં કસૂરવાર ઠેરવ્યો હતો.
સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ વી. પી. અગ્રવાલે આરોપી રાજેશ ગોવિદભાઈ મકવાણાને પોક્સો એક્ટ હેઠળ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂૂપિયા 10 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. વધુમાં, કોર્ટે પીડિત બાળકીને થયેલી માનસિક અને શારીરિક યાતના તથા ભોગ બનેલ બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આરોપી પાસેથી રૂૂપિયા 50 હજારનું વળતર પીડિતાને ચૂકવી આપવાનો પણ મહત્વનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદીએ દલીલો કરી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે મક્કમપણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
