કોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. દરિયામાં નાહવા ગયેલા છારા ગામના પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. દરિયામાં નાહવા ગયેલા છારા ગામના પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર સ્થાનિક માછીમારોએ જીવના જોખમે દરિયામાં ઝંપલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમના પ્રયાસોથી ત્રણ કિશોરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે બે કિશોરો દરિયામાં લાપતા બનતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

જો કે બાદમાં બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, છારા ગામના પાંચ મિત્રો, જેઓ ધોરણ-11અને ધોરણ-12 માં અભ્યાસ કરે છે, આજે બપોરે દરિયા કિનારે ફરવા અને નાહવા માટે પહોંચ્યા હતા. ચર્ચા મુજબ શરૂૂઆતમાં બે કિશોરો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન અચાનક દરિયાના તીવ્ર કરંટમાં તેઓ સપડાતા ડૂબવા લાગ્યા હતા. પોતાના મિત્રોને બચાવવા અન્ય ત્રણ કિશોરો પણ તરત જ દરિયામાં ઝંપલાવ્યા હતા. પરંતુ દરિયાના ભારે કરંટ સામે પાંચેય કિશોરો લાચાર બની જતા સ્થિતિ વધુ ગંભીર બની હતી.

આ દરમિયાન નજીકમાં રહેતા સ્થાનિક માછીમારોની નજર આ ઘટના પર પડતા તેઓ કોઈ પણ વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવ્યા હતા. માછીમારોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે રાજદીપ જેસાભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ), કુલદીપ પુનાભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ) અને અક્ષય ધીરુભાઈ રાઠોડ (ઉંમર 16 વર્ષ) નો આબાદ બચાવ થયો હતો. જો કે, ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા (ઉંમર 16વર્ષ) અને નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉંમર 17વર્ષ) દરિયાના મોજાંમાં લાપતા બન્યા હતા. ભારે કરંટ અને ઊંચા મોજાંને કારણે સ્થાનિક તરવૈયાઓ માટે પણ શોધખોળ અત્યંત મુશ્કેલ બની રહી છે.

ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, કોડીનાર મામલતદાર, કોડીનાર પોલીસ તેમજ અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તથા આગેવાનોની ટીમ દ્વારા મૂળદ્વારકાથી અનુભવી તરવૈયાઓ ને બોલાવી દરિયામાં શોધખોળ શરૂૂ કરાવવામાં આવી હતી ગામના સરપંચ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ.ડી.આર.એફ. તથા કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી. એસ.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી ચૂકી છે.ઉપરાંત ડ્રોન કેમેરા અને કોસ્ટગાર્ડની બોટ ની મદદથી પણ દરિયાના વિશાળ વિસ્તારમાં લાપતા બંને કિશોરોની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ કરૂૂણ ઘટનાની જાણ થતાં છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો દરિયાકિનારે પહોંચી ગયા છે અને લાપતા બંને કિશોરો સુરક્ષિત મળી આવે તેવી આશા સાથે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભાવશીભાઈ ભરતભાઈ ચુડાસમાનું મૃતદેહ મળ્યા બાદ આજે વહેલી સવારે નિર્મળ હમીરભાઈ ચુડાસમા નો પણ મૃતદેહ ખારાની વાવ વિસ્તારના દરિયામાંથી મળી આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *