કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા

રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા;…

રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા

બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા; પાંચેયની હાલત ગંભીર

રાજકોટમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં રાત્રિના સમયે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મહિલા સહિત પરિવારના કુલ પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પાંચેય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર બરાબર ફિટ થયું નહિ હોવાથી ઘટના ઘટી હોવાની શંકા સેવાઈ રહી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની ઓરડી ઉપર રહેલા પતરાં કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા હંસરાજનગરમાં ભાડાની ઓરડીમાં રહેતા અને મુળ યુપીના સતંદર તેજબહાદુર ચૌહાણ (ઉ.વ. 26), રિમાબેન હિતેશભાઈ પનોજીયા (ઉ.વ. 23), પરવેઝભાઈ જયપ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ. 26), વિશાલ જયપ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.23) અને શિવમ વિજયકુમાર ચૌહાણ (ઉ.વ. 23) રાત્રીના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઓરડીમાં હતા તે દરમ્યાન ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા આગ ભભુકી ઉઠતા ગંભીર રીતે દાઝી ગયા હતા. પાંચેય લોકોને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમીક તપાસમા પરવેઝ અને વિશાલ બંને સગા ભાઈઓ હોવાનુ અને કોઠરીયા રોડ ઓરડીમાં રહેતા પરપ્રાતિય પરિવારમાં રાત્રિના સમયે રસોઈ બનાવવાની તૈયારીઓ કરતા હતા તે દરમિયાન ગેસનો બાટલો ખાલી થઈ જતાં નવો બાટલો ચડાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નવો બાટલો લીકેજ હતો. જેવો રસોઈ માટે ગેસ સળગાવવામાં આવતા તરત જ લીકેજ ગેસના કારણે આગ ભભુકી હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, પાંચેય વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર હોવાનું બહાર આવ્યુ હતું બનાવને પગલે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ધડાકો એટલો જોરદાર હતો કે દૂર સુધી તેના અવાજ સંભળાયો હતો. હાલમાં પોલીસ દ્વારા ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની તપાસ માટે એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *