વેરાવળના ભીડીયા વિસ્તારમાં રવિવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા, જેમાંથી એક યુવકની હાલત ગંભીર જણાતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.રાત્રે આશરે આઠેક વાગ્યા આસપાસ ભીડભંજન મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે સાત કિલોના સંપણ ગેસ સિલિન્ડર માં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી હતી.આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો દાઢ્યા હતા જેમાં રાકેશ મેઘજીભાઈ પાંજરી (ઉ.વ. 24) ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે.
અન્ય દાઝેલા લોકોમાં નથુભાઈ મેઘજીભાઈ પાંજરી (ઉ.વ. 60), તારાબેન કાલિદાસ ડાલકી (ઉ.વ. 45) અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમની સારવાર ચાલી રહી છે.આ બનાવ બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાણીનો ઉપયોગ કરીને આગને પ્રાથમિક રીતે કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.
વેરાવળ કાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર સંપુર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમે મકાનની અંદર તપાસ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
ભીડીયા બારવા સમાજના અગ્રણી રમેશભાઈ ડાલકીએ જણાવ્યું હતું કે, રસોઈ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થયો હતો. તેમણે ઉમેર્યું કે, સમયસર લોકોને બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી.
આ ઘટનાના પગલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા બ્લાસ્ટના કારણીની તપાસ શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
