કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરીમાં ભારતીય મુળના પાંચ શખ્સો ઝડપાયા

કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ…

કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ રૂૂપિયા)ની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી જથ્થો હતો, જે ડિલિવરી થાય તે પહેલા જ લૂંટી લેવામાં આવ્યો હતો.

આ ઘટના 15મી એપ્રિલના રોજ પ્રકાશમાં આવી હતી. મિસિસૌગામાં મેકલોફલિન રોડ અને હાઇવે 401 પાસે શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને લૂંટાયેલું ટ્રેલર મળી આવ્યું હતું અને સ્થળ પરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા બે ગેરકાયદે હથિયારો પણ મળી આવ્યા હતા.

ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મનવીર સિંહ (21), સરબજીત સિંહ (32), દિલખાબ સિંહ (21), જયસ્કવન માલ્હી (23) અને કરણ કુમાર (25) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, કરણ કુમાર હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે અન્ય ચાર શંકાસ્પદો બ્રેમ્પટનના છે.

પોલીસે પાંચેય આરોપીઓ સામે મિલકતની ચોરી, ચોરાયેલી મિલકતનો ગેરકાયદે કબજો રાખવો અને પ્રતિબંધિત હથિયારો રાખવા સહિતના કુલ 33 ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. યોર્ક પ્રાદેશિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોવાની આશંકા છે. હાલ તપાસ ચાલુ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે વધારાની માહિતી હોય તો તેઓ ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *