ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી વસવાટ કરતા તત્વો સામે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા શહેરના બોરતળાવ વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરીને કોઈ પણ માન્ય પાસપોર્ટ કે વિઝા વગર રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલાઓએ પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હોવાનું કબૂલ્યું છે.
ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ SOG પી.આઈ. પી.સી. શિંગરખીયાની ટીમે ટેકનિકલ એનાલીસીસના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ દરમિયાન બોરતળાવ વિસ્તારમાં રહેતી પાંચ મહિલાઓ શંકાસ્પદ જણાતા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા બાંગ્લાદેશી દસ્તાવેજો અને બાંગ્લાદેશી મોબાઈલ સીમકાર્ડ મળી આવ્યા હતા. પૂછપરછમાં મહિલાઓ પાસે ભારત આવવા માટેના કોઈ જ કાયદેસરના આધાર-પુરાવા મળી આવ્યા ન હતા.
ઝડપાયેલી મહિલાઓમાં પાખી ખાનમ (ઉ.વ. 22), રીમા અખ્તર ઉર્ફે લીલી (ઉ.વ. 35), લાખી બેગમ (ઉ.વ. 35), સુબરના બેગમ ઉર્ફે સુબોના દાસ (ઉ.વ. 39) અને લેબીના ખાનમ ઉર્ફે મીમ મુબારક (ઉ.વ. 33) નો સમાવેશ થાય છે. આ મહિલાઓ બાંગ્લાદેશના ફરીદપુર અને નડાઈલ જિલ્લાની વતની હોવાનું ખૂલ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે પોલીસે મહિલાઓ વિરુદ્ધ વિદેશી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, તેઓ કેટલા સમયથી અને કોના સંપર્કથી અહીં વસવાટ કરી રહી હતી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઓપરેશનમાં SOGની ટીમના એ.એસ.આઈ. મહાવીરસિંહ, બલવીરસિંહ અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
