ગુજરાતમાં પહેલીવાર જમીન સુધારણા વિષય પર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજાઈ રહી છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ગાંધીનગરમાં થનારી આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના નિષ્ણાતો, નીતિનિર્ધારકો અને વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાવાના છે.
આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. તેમાં મુખ્ય ધ્યાન દેશના અલગ-અલગ રાજ્યોમાં જમીન સુધારણા માટે અમલમાં મુકાયેલા મોડલ્સ, અનુભવો અને સફળ પ્રોજેક્ટ્સ પર રહેશે. ખાસ કરીને જમીનના ન્યાયસંગત વિતરણ, ખેતી માટે જમીનના ઉપયોગ, શહેરીકરણના કારણે જમીન પર વધતો દબાણ અને ટ્રાઈબલ એરિયામાં લેન્ડ રીફોર્મ્સ કેવી રીતે લાગુ કરવામાં આવે તેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થવાની છે. રાજ્ય સરકારના લેન્ડ રીફોર્મ્સ વિભાગે કોન્ફરન્સ માટે વિશેષ તૈયારીઓ શરૂૂ કરી છે.
અધિકારીઓ દ્વારા અનેક ટેક્નિકલ પેપર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં ચાલી રહેલા પાઈલટ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રાજ્યના સક્સેસ મોડલ્સને રજૂ કરવા માટે પ્રેઝન્ટેશન્સ પણ તૈયાર થઈ રહ્યા છે.ડો. જયંતિ રવિના આખા કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે અને વિભાગના દરેક અધિકારીને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોન્ફરન્સમાં ખાસ કરીને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જમીનની માહિતી પારદર્શક બનાવવી, ખેડુતોને સીધી રીતે લાભ મળે તેવી નીતિ ઘડવી અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીન વિતરણ વધુ ન્યાયી બને તેવી યોજનાઓ પર ખાસ ધ્યાન રહેશે. આથી વહીવટી વર્તુળોમાં માનવામાં આવે છે કે ગુજરાતની આ પહેલ આગામી વર્ષોમાં અન્ય રાજ્યો માટે પણ એક મોડલ સાબિત થઈ શકે છે.
