જામનગરમાં ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી કરીને ફ્લેટમાં અંદર બંધ થઈ ગયેલી બે વર્ષની માસૂમ બાળકીને હેમખેમ બહાર કાઢી લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની આ કામગીરીને પગલે પરિવારજનો સહિત ઉપસ્થિત લોકોએ ટીમનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ, જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્ક નજીક સિંધિ કોલોનીમાં રહેતા કૈલાશ કેશવલાલ જેઠવાણીના ફ્લેટમાં તેમની બે વર્ષની પુત્રી દિતિયા અંદર રહી ગઈ હતી અને દરવાજો બંધ થઈ જતાં બાળકી ફ્લેટમાં જ પુરાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં તાત્કાલિક મદદ માટે 112 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો.
કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટનો દરવાજો બંધ હોવાથી ટીમે દરવાજો તોડીને અંદર ફસાયેલી બે વર્ષની બાળકીને હેમખેમ બહાર કાઢી લીધી હતી. બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતાં પરિવારજનોને મોટી રાહત થઈ હતી અને બાળકીનું પરિવાર સાથે મિલન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આમ, કટોકટીના સમયે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કરેલી કામગીરીના કારણે નાની બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડની આ સમયસૂચક કામગીરી બદલ પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
