શહેરમાં કોઠારીયા વિસ્તારમાં રહેતા અને ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો યુવાન પિતા સાથે નાકરાવાડી ખાતે ગયો હતો ત્યારે બનેવી દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. બાદમાં બહેન બનેવીએ માર મારતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં રહેતા અને ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો ભાવેશ રામસીંગભાઇ મકવાણા નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના દસ વાગ્યાના અરસામાં નાકરાવાડી ખાતે હતો ત્યારે બનેવી અજય અને બહેન ભગવતીબેન સહિતનાએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભાવેશ મકવાણા તેના પિતા સાથે ગયો હતો. ત્યારે બનેવીએ દારૂના નશામાં ઝઘડો કરી મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અન્ય બનાવમાં જુદા-જુદા ચાર સ્થળે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેમાં 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં રજૂબેન ભરતભાઇ ગમારા (ઉ.વ.25)ને ભરત, કંકુબેન અને જીવણએ મારમાર્યો હતો. બજરંગવાડીમાં દિલાવર ખાન મહમદ ખાન મહેનાણી (ઉ.વ.50)ને મુન્ના સહિતના બે શખ્સોએ માર માર્યો હતો. માડાડૂંગરમાં જીવરાજ બાબુભાઇ કવા (ઉ.વ.45)ને સંદીપ રાઠોડ સહિતનાએ અને હરીપર ગામે મુકેશભાઇ તેજાભાઇ ચાવડા (ઉ.વ.59) યોગેશ અને પારસે ધોકા વડે મારમાર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
