વેરાવળ ના ભાલકા વિસ્તારમાં પશુધનના ઘાસચારા માટે રાખવામાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજાભાઈ લખમણભાઈ ચોપડાના ઘાસચારાના ખુલ્લા ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના રહેણાંક મકાનોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગની જાણ થતાં વેરાવળ ફાયર વિભાગની ટીમ ના જમાદાર સુનિલભાઈ ચુડાસમા, હરપાલ ખેર, ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જોકે કોઈ ટીખળખોર દ્વારા ઘાસ માં આગ લગાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અંદાજે આઠ વીઘા જેટલો જુવારનો ચારો બળી ગયો હોવાનું જાણવા મળે છે. રાજાભાઈ ચોપડા એ તેમના પશુધન માટે જુવારનો ચારો સંગ્રહ કર્યો હતો, જે આગમાં બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે એક લાખ રૂૂપિયાની કિંમતનો ઘાસચારો નુકસાન પામ્યો છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
