જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ આખરે છઠ્ઠા દિવસે કાબૂમાં

જામનગર શહેરના શ્યામનગર નજીક આવેલા ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ ખાતે છેલ્લા છ દિવસથી સળગી રહેલી ભીષણ આગ આખરે આજે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા…

જામનગર શહેરના શ્યામનગર નજીક આવેલા ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ ખાતે છેલ્લા છ દિવસથી સળગી રહેલી ભીષણ આગ આખરે આજે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે દિવસ-રાત એક કરી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.

મળતી માહિતી મુજબ ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓમાં લાગેલી આગ અંદરથી સતત ધૂંધવાતી રહેતાં ફાયર વિભાગ માટે ભારે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સતત છ દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજે પણ ત્રણ ફાયર ફાઇટરો સાથે દસથી વધુ ફાયરમેન અને જવાનોને સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. આગ બુઝાવવાની કામગીરી વધુ અસરકારક બને તે માટે પાણીના ટાંકાથી લઈને ડમ્પિંગ સાઇટ સુધી અંદાજે સાતસો મીટર લાંબી પાઇપલાઇન ગોઠવવામાં આવી હતી. એક પછી એક પાઇપ જોડીને સતત પ્રેશરથી પાણી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

ફાયર વિભાગે ઓવરબ્રિજ, રેલવે ટ્રેક અને અન્ય અવરોધો નીચેથી પણ પાણીની પાઇપલાઇનો પસાર કરી આગ સુધી સીધો પાણીનો મારો પહોંચાડ્યો હતો. ભારે મહેનત અને વ્યૂહાત્મક આયોજનના કારણે આગ પર હવે મોટાભાગે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આગના નાના નાના ધૂંધવાટા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે ઠાર થાય ત્યાં સુધી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી ધુમાડા અને ઝેરી વાયુઓના કારણે પરેશાન રહેલા આસપાસના વિસ્તારોના લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *