ખેડૂતોના પ્રશ્ર્ને લાંબા સમય બાદ ભાજપની ભગીની સંસ્થા મેદાને
લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલી ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે હવે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને ખેડૂતોના પ્રશ્ર્ને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
સરકાર એકબાજુ એવો દાવો કરે છે કે, કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજના મદદરૂૂપ થતાં ખેડૂતો રાજી છે. જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે, ધરાર અવગણના થતાં ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે. આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.
રાજ્ય સરકાર ભલે જાહેરાત કરે કે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. પણ કિસાન સંઘનું કહેવું છે કે, રાજ્યમાં ખાતરનો પ્રશ્ન વધુ પેચિદો બન્યો છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવુ પડે છે. કમોસમી વરસાદને કારણે ચોમાસું પાક તો લગભગ નિષ્ફળ ગયો છે ત્યારે શિયાળુ પાક વખતે પણ ખેડૂતોને ખાતર માટે ફાંફા મારવા પડી રહ્યાં છે.
ખાતર વિના પાક ઉત્પાદન પર અસર થઈ રહી છે. ખેડૂતોને બેન્કમાંથી સમયસર લોન મળતી નથી. અથાગ મહેનત પછી પણ પાકના પૂરતાં ભાવ મળતાં નથી. એપીએમસી-માર્કેટયાર્ડની બહાર માલ વેચવા માટે રાતના ઉજાગરા કરવા પડે છે. જો ટેકાના ભાવે પાક ન ખરીદાય તો મૂડીમાં નુકશાન કરીને પણ ખેડૂતોને માલ વેચવા મજબૂર થવુ પડે છે.
આ બધીય સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હલતુ નથી. ત્યારે કિસાન સંઘે ગાંધીનગરમાં 20-25 હજાર ખેડૂતોને એકત્ર કરી ધરણાં-વિરોધ પ્રદર્શન કરવા જાહેરાત કરી છે.
