હથિયારો સાથે માથાકૂટ કરી, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો
અંજારમાં એક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી, ત્યારબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ઇંધણની અછતે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક લોહિયાળ ઝઘડાનો વીડિયો ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ ઘટના બે દિવસ પહેલાં અંજાર તાલુકાના સાપેડા ગામે આવેલા એક પેટ્રોલ પંપ પર ઘટી હતી.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા બાબતે વાહનચાલકો વચ્ચે શરૂૂઆતમાં સામાન્ય બોલાચાલી અને હાથપાઈ થઈ હતી. જોકે, આ સામાન્ય મગજમારીએ જોતજોતામાં ઉગ્ર અને હિંસક સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને સામસામે ધારદાર હથિયારો તેમજ લાકડીઓ વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. હથિયારો ઉછળતા પંપ પર હાજર અન્ય ગ્રાહકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
બનાવના અનુસંધાને સંબંધિત બીટ જમાદાર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું હતું કે, હા, આવો એક બનાવ બે દિવસ પહેલાં સાપેડાના પંપ પર બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ અમારી પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને પક્ષોને છૂટા પાડીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મામલો શાંત પાડ્યા બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજાવટ થઈ ગઈ હોવાથી કોઈ પણ પક્ષ દ્વારા આ અંગે પોલીસ મથકે સત્તાવાર એફઆઈઆર દાખલ કરાઇ નથી.
