મૂળ વીંછીયા પંથકની વતની અને હાલ રાજકોટમાં પીજીમાં રહી ગ્રામ સેવક દળના ખેતી વિભાગમાં નોકરી કરતી યુવતીએ પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર યુવતીના ત્રાસથી બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ વિછીયા પંથકની વતની અને હાલ રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ પીજીમાં રહેતી 23 વર્ષની યુવતી પીજીમાં હતી ત્યારે રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી યુવતીનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી મૂળ વીંછીયાની વતની છે અને છેલ્લા છ મહિનાથી રાજકોટમાં પીજીમાં રહી ગ્રામસેવક દળના ખેતી વિભાગમાં નોકરી કરે છે. પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર પાયલબેન અવારનવાર ઝઘડા કરે છે અને ગઈકાલે રૂૂમ પાર્ટનર પાયલબેને તેના પતિને બોલાવ્યો હતો અને આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને નીચે બોલાવી ઝઘડો કર્યો હતો જેથી યુવતીએ પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર યુવતીના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
