રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના 10મા માળેથી અચાનક ઝંપલાવીને એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ તેમજ વિદ્યાર્થીઓમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
મૃતક વિદ્યાર્થીનીની ઓળખ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય સૌબર્નિકા વ્યંકટેશ અલ્લા તરીકે થઈ છે. સૌબર્નિકા છેલ્લા એક વર્ષથી અહીં રહીને અભ્યાસ કરતી હતી અને હાલ તે યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સબ્જેક્ટ સાથે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, તેના પિતા હયાત નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યાના સુમારે તે પોતાના મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. આ વાતચીત દરમિયાન જ તેણે હોસ્ટેલના 10મા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું.
આ બનાવ અંગે મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, મૃતકના પરિવારજનોને જાણ કરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. મોબાઇલ ઉપર વાતચિત દરમિયાન કોઇ સાથે વિવાદ કે ઝઘડો થતાં આવેશમાં આવી જઇ આપઘાત કરી લીધાનું માનવામાં આવે છે.
