જૂનાગઢની મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુના લીધે મોત થયું છે. તેઓ તેમના પતિ અને ત્રણ વર્ષની બાળકી સાથે જૂનાગઢમાં જ રહેતા હતા. તેમના પતિ પણ ઓર્થોપેડિક સર્જન છે. ડો.સોનાલી ઓડેદરાને શનિવારે ડેન્ગ્યુ થયો હતો. એટલે તેમણે રજા માંગી હતી. ત્યારે તેમને બે દિવસની એટલે કે સોમવાર અને મંગળવાર ની રજા આપવામાં આવી હતી. ડેન્ગ્યુ જે સ્ટેજ પર હતો તે સ્ટેજમાં ઓછામાં ઓછું સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે છે.
પરંતુ તેમને માત્ર બે દિવસની રજા જ મંજુર કરાઈ હતી. બે દિવસ આરામ કર્યા બાદ ડો. ઓડેદરા મેડિકલ કોલેજમાં હાજર થઈ ગયા હતા. બુધવારે આખો દિવસ તેમણે ડ્યુટી કરી હતી. જ્યારે રાત્રિના તેઓ ઘરે ગયા ત્યારે તેમની તબિયત અચાનક જ બગડી ગઈ હતી. તેમના પતિ દ્વારા તેમને સૌપ્રથમ કલ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ આ બંને હોસ્પિટલમાં કરેલી સારવાર કારગત સાબિત ન થઈ હતી. છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમને રાજકોટ લઈ જવામાં આવે પરિવાર દ્વારા તેમને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ જેતપુર પહોંચે તે પહેલા જ તેમની તબિયત ખૂબ જ બગડતા ફરી તેમને જૂનાગઢમાં જ સારવાર આપવામાં આવી હતી. સિવિલમાં જ તેમનું મોત થયું હતું.
રેસિડેન્ટ ડોક્ટર સોનાલી ઓડેદરા એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં હતા. ડેન્ગ્યુના લીધે તેમણે ડિપાર્ટમેન્ટના હેડ પાસેથી રજા માંગી હતી. તેથી તેમને બે દિવસની રજા આપવામાં આવી હતી. પરંતુ સિવિલના જ તબીબોના જણાવ્યા મુજબ ડેન્ગ્યુ આ સ્ટેજ હોય તો ઓછામાં ઓછી સાત દિવસની રજા લેવાની હોય છે. ડિપાર્ટમેન્ટ દ્વારા રજા ન આપવામાં આવતા ડોક્ટરનું મોત થયું હતું.
