જામનગરના મહિલા કંડકટર જંગે ચડયા, ભેદભાવ અંગે મહિલા આયોગ સમક્ષ ફરિયાદ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના જામનગર વિભાગમાં ફરજ બજાવતાં મહિલા કંડક્ટરે વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે જાતિગત ભેદભાવ, યુનિયનની હરીફાઈ અને બદલાની ભાવનાથી અન્યાયી…

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના જામનગર વિભાગમાં ફરજ બજાવતાં મહિલા કંડક્ટરે વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે જાતિગત ભેદભાવ, યુનિયનની હરીફાઈ અને બદલાની ભાવનાથી અન્યાયી કાર્યવાહી કરાતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જામનગર ડેપોનાં મહિલા કંડક્ટર રચનાબેન જેઠવાએ ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરનાં અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને વિભાગીય નિયામક બી.સી. જાડેજા અને વિભાગીય પરિવહન અધિકારી જે.વી. ઈશરાણી સામે તટસ્થ તપાસ કરી ન્યાય અપાવવા માંગણી કરી છે.મહિલા કંડક્ટરની રજૂઆત મુજબ, તેઓ જામનગર-હર્ષદ રૂૂટ પર ફરજ બજાવી રહ્યાં હતાં તે દરમિયાન ડબલ ડ્યુટી અને પિતાની બીમારીની પરિસ્થિતિ વચ્ચે બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ અંગે ડ્રાઈવર દ્વારા જામનગર ડેપોને જાણ કરવામાં આવી હતી અને બસ ભાટિયાથી પરત વાળવામાં આવતાં તે વહેલી ખંભાળિયા ડેપોએ પહોંચી હતી. આ દરમિયાન ખંભાળિયા ડેપોમાં ફરજ બજાવતા ટી.સી. હરદેવસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી.

આ વિવાદ અંગે ખંભાળિયાના ડેપો મેનેજરની હાજરીમાં બંને પક્ષો વચ્ચે લેખિત સમાધાન થયું હતું અને માફીપત્ર સાથે ફરિયાદનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેમની દ્વારકા ડેપો ખાતે બદલી કરી દેવામાં આવી હતી અને વિભાગીય નિયામક દ્વારા રૂૂ. 4,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.રચનાબેન જેઠવાએ પોતાની રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો છે કે તેઓ એસ.ટી. નિગમના માન્ય સંગઠન ભારતીય મઝદૂર સંઘ (બી.એમ.એસ.)ને સમર્થન આપતાં હોવાથી તેમની સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલે સમાનતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત પરિપત્ર મુજબ કેસની કાર્યવાહી 30 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ હોવા છતાં આ મામલે કાર્યવાહી બે મહિના સુધી લંબાવવામાં આવી હતી.

વિભાગીય કચેરીમાં નિયમોનો સમાન અમલ થતો ન હોવાનો અને કેટલાક કર્મચારીઓની બદલી સહિતના નિર્ણયો લેવામાં પક્ષપાતી વલણ અપનાવાતું હોવાનો પણ મહિલા કંડક્ટરે આક્ષેપ કર્યો છે.આ સમગ્ર ઘટનાને કારણે તેમને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે. આથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલો એસ.ટી. નિગમની અમદાવાદ મધ્યસ્થ કચેરીના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *