કિન્નાખોરી રાખી માંગ્યા મુજબ બદલી નહીં કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગોંડલની હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી સુપ્રીટેન્ડેનની ઓફિસમાં પોસ્ટ કર્મચારીએ ફીનાઇલ ગટગટાવી આપઘાતની કોશીશ કરતા દોડધામ મચી જવા પામી હતી.બાદ માં કર્મચારીને એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.અનેક કર્મચારીઓની હાજરીમાં બનાવ બન્યો હોવા છતા સારવાર માં ખસેડાયેલા કર્મચારીની ખબર કાઢવા પોસ્ટ વિભાગનાં કોઇ જવાબદાર અધિકારીઓ ફર્કંયા ના હોય કર્મચારીઓમાં આશ્ર્ચર્ય ફેલાયું હતુ.
પ્રાપ્ત વિગત મુજબ અહીની હેડ પોસ્ટ ઓફિસમાં મેઇલ ઓવરસિયર તરીકે ફરજ બજાવતા અને જામકંડોરણા રહેતા જયકુમાર જીતેન્દ્રભાઈ દવે ઉ.28 એ સુપ્રીટેન્ડેનની ઓફિસમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેમને તુરંત ઇમર્જન્સી 108 મારફત સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
જયકુમાર દવે એ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી.જે પોલીસે કબ્જે કરી હતી. હોસ્પિટલમાં સારવારમાં રહેલા જયકુમારે પોસ્ટ સુપ્રીટેન્ડેન સંજય મિસ્ત્રી પર આક્ષેપ કરી કહ્યુ કે મને હરસની સમસ્યા હોય મેં અગાઉ જામકંડોરણા ફરી જુની જગ્યાએ બદલી કરી આપવા લેખીત રજુઆત કરી હતી.એ પછી મૌખિક રજુઆત પણ કરી હતી. આ સમયમાં અન્ય ત્રણ કર્મચારીઓને માંગ્યા મુજબ બદલી અપાઇ હોય અને મારાં પ્રત્યે કિન્નાખોરી રખાઇ હોય આજે સુપ્રીટેન્ડેન મિસ્ત્રીને મળવા જઇ રજુઆત કરતા તેમણે મને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી હતી. વધુમાં તમે નોકરીને લાયક નથી રાજીનામુ આપી દો તેવુ કહી ધમકાવ્યો હતો. જેને લીધે આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યુ હતુ.જયકુમાર જામકંડોરણા પોસ્ટ ઓફિસમાં બે વર્ષ થી પોસ્ટમેન તરીકે નોકરી કરતો હતો.ગત જુન મહીનામાં તેની બદલી ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં મેઇલ ઓવરસીયર તરીકે કરી દેવાતા હાલ ગોંડલ ફરજ બજાવે છે.
જયકુમારનાં જણાવ્યાં મુજબ જામકંડોરણામાં તેના મોટાબાપુ સાથે જમીન અંગે પારીવારીક વિવાદ ચાલે છે.તેથી મોટાબાપુ દ્વારા મારા વિરૂૂધ્ધમાં પોસ્ટ વિભાગમાં ખોટી ફરિયાદો કરાઇ હોય મારી બદલી ગોંડલ થઇ હતી. નિયમ મુજબ ત્રણ વર્ષ બાદ મેઇલ ઓવરસીયરની પોસ્ટ મળતી હોય છે.મારે નોકરીનાં બે વર્ષ થયા છે. ઓવરસીયર હેઠળ ગોંડલ પાત્રીસ ગામડાં આવે છે. જેમાં રોજીંદા બે ગામડાની મુલાકાત લેવાની હોય છે.હરસની બિમારીને કારણે ટ્રાવેલિંગ થતુ નાં હોય મારી મુળ જગ્યા જામકંડોરણા પરત કરવા અનેક રજુઆત કરી હતી.પણ મારા પ્રત્યે કિન્નાખોરી રખાતી હોય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસ તપાસ હાથ ધરી છે.
