રાજકોટ-સુરત-પોરબંદર-સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા
ભાજપ ‘તોડફોડ’ કરે તેવો ભય, કાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો સમય પૂરો થયા બાદ થશે પ્રગટ
ગુજરાતમાં 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની આગામી તા.26ના રોજ યોજાનાર ચુંટણી માટે ગઇકાલે ઉમેદવારીપત્રકોની ચકાસણી પુર્ણ થઇ ગઇ છે અને હવે આવતીકાલ તા.15ના રોજ ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસમાં ‘ઓપરેશન લોટસ’નો ફફડાટ ફેલાયો છે અને રાજકોટ-સુરત, પોરબંદર તથા સુરેન્દ્રનગર સહીતની મહાનગર પાલિકાઓના ઉમેદવારોને ધાક-ધમકી, લોભ-લાલચ અને ખરીદીથી બચાવવા ગુપ્ત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને લાલચ કે ધાકધમકી આપી ભાજપ ફોર્મ પાછા ખેંચાવી લ્યે તેવા ભયના કારણે કોંગ્રેસે તમામ ઉમેદવારોને સલામત સ્થળે ખસેડી લીધા છે અને આવતીકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો સમય પુરો થાય પછી જ છુટા મુકવામાં આવનાર છે.
કોંગ્રેસે ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવાની સાથે તમામના મોબાઇલ પણ સ્વીચઓફ કરાવી દીધા છે જેના કારણે કોઇ ઉમેદવારનો સંપર્ક પણ શકય બને નહીન રાજકોટના 25, સુરતનાં 40, સુરેન્દ્રનગરના 45 અને પોરબંદરના 32 ઉમેદવારોને ગઇકાલે સાંજથી જ અજ્ઞાતવાસમાં રાખી દેવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોને અલગ- અલગ વાહનોમાં લઇ જવામાં આવ્યા હતા અને ગુપ્ત સ્થળે અલગ અલગ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તમામ ઉપર મજબુત કાર્યકરોને માર્કર તરીકે મુકવામાં આવ્યા છે અને ખાણી-પીણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે.
રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 72 ઉમેદવાર છે. અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા. પરંતુ વોર્ડવાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે તે માટે અમે પૂરી તૈયારી કરી છે.
સુરત
અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન સર્જાયેલા નિલેશ કુંભાણી કાંડમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસે આ વખતે ખાસ રણનીતિ અપનાવી છે. પક્ષે પોતાના આશરે 40 ઉમેદવારોને શહેરથી દૂર ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારની રાજકીય હસ્તક્ષેપ અથવા “ખેલ” ફરી ન થાય. કોંગ્રેસે જીતની સંભાવના ધરાવતી બેઠકોના ઉમેદવારો માટે શહેર બહાર અલગ-અલગ અજ્ઞાત લોકેશન પર ’સેફ હાઉસ’ તૈયાર કર્યા છે. આ સ્થળોની માહિતી માત્ર ચૂંટાયેલા થોડા પ્રદેશ નેતાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી છે. ઉમેદવારોને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી દેવા માટે તેમના મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવામાં આવ્યા છે.
અજ્ઞાત સ્થળે રહેલા ઉમેદવારોને પરિવાર કે અન્ય કોઈ સાથે સંપર્ક ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમના ફોન બંધ રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારનો દબાણ કે લાલચ પહોંચે નહીં. કોઈ નેતા અથવા કાર્યકરને પણ આ સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી નથી. ઉમેદવારો ભલે ગુપ્ત સ્થળે હોય, તેમ છતાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને નિવાસસ્થાન પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ સંદેશ લીક ન થાય અને વિરોધી પક્ષના લોકો સંપર્ક ન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ સરખેજ વોર્ડના બે કોંગી ઉમેદવાર ગાયબ
ગુજરાતમાં પાલિકા -મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાના સમય દરમિયાન ભાજપ ઉમેદવારોની તોડફોડ કરે તેવા ભયના કારણે કોંગ્રેસે મહાપાલિકાના ઉમેદવારો ગુપ્ત સ્થળે મોકલી દીધા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડના કોંગ્રેસના બે ઉમેદવાર ગઈકાલે બપોર બાદ ભેદી રીતે ગુમ થઈ ગયાનું અને કોંગ્રેસના સંપર્ક બહાર જતા રહ્યાનું બહાર આવ્યું છે. આ બન્ને ઉમેદવારોને ભાજપે ગુમ કરી દીધાની દ્રઢ શંકા છે અને તેથી જ કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ગુપ્ત સ્થળે મોકલી દીધાનું માનવામાં આવે છે.
