આજી ડેમમાં પિતા, બે પુત્રો અને ભાણેજના ડૂબી જતા મોત

માતાજીના દર્શન બાદ ડેમમાં હાથ-પગ ધોવા ઉતરેલા પુત્રને બચાવવા જતાં સમગ્ર પરિવાર કાળનો કોળિયો બની ગયો રાજકોટના આજી ડેમ ખાતે શનિવારની સાંજ એક પરિવાર માટે…

માતાજીના દર્શન બાદ ડેમમાં હાથ-પગ ધોવા ઉતરેલા પુત્રને બચાવવા જતાં સમગ્ર પરિવાર કાળનો કોળિયો બની ગયો

રાજકોટના આજી ડેમ ખાતે શનિવારની સાંજ એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ હતી. શહેરના ભાવનગર રોડ પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા રિક્ષાચાલક ભરતભાઈ જાદવ, તેમના બે પુત્રો રોહિત તથા ધવલ અને સાળીનો દીકરો ધ્રુવ મકવાણા ડેમના 25 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જતાં ચારેયના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર ડેમના કાંઠે રિક્ષા ઊભી રાખીને વિરામ કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, સૌથી મોટો પુત્ર રોહિત પાણીમાં હાથ-પગ ધોવા અથવા ન્હાવા માટે ઉતર્યો હતો, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા તે અચાનક ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે તેના પિતા અને અન્ય બે કિશોરો પણ એકપછી એક પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ કમનસીબે ચારેય વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ હૃદયદ્રાવક બનાવની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ, આજીડેમ પોલીસ અને ઝોન 1 ના ડીસીપી હેતલ પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી અને શનિવાર સાંજ સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા ચાર પૈકી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. જોકે, રોહિત જાદવનો પત્તો ન લાગતા રવિવારે સવારે ઘંટેશ્વર એસઆરપી 13 કેમ્પની ખાસ એસડીઆરએફની ટુકડી બોલાવવામાં આવી હતી. પીઆઈ એમ.એ. કોટડીયાની રાહબરી હેઠળ આધુનિક આરઓવી મશીનનો ઉપયોગ કરીને આશરે 20 કલાકની જહેમત બાદ રવિવારે બપોરે રોહિતનો મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ઘાંચીવાડ વિસ્તારમાં અને મૃતકોના સ્વજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

ભરતભાઈ જાદવ (42) જંગલેશ્વરમાં સિંગનું કારખાનું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ત્રણ પુત્રો પૈકી બે પુત્રો રોહિત (21) અને ધવલ (17) આ દુર્ઘટનામાં પિતા સાથે જ કાળનો કોળિયો બની ગયા છે. હવે ભરતભાઈના પરિવારમાં માત્ર તેમના પત્ની અને એક સાત વર્ષનો નાનો પુત્ર કેવલ જ રહ્યા છે. જ્યારે મહેમાન તરીકે આવેલા સાળીના દીકરા ધ્રુવ મકવાણા (15) નું પણ મોત થતા બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધ્રુવ હજુ હમણાં જ ધોરણ 9 પાસ કરીને 10મા ધોરણમાં આવવાનો હતો અને વેકેશન માણવા માસીના ઘરે આવ્યો હતો. આ એક જ દુર્ઘટનાએ હસતા-રમતા પરિવારોને વિખેરી નાખ્યા છે.

તંત્રની અપીલ: ક્ષણિક મોજ માટે જીવ જોખમમાં ન મૂકો
આ કરુણ ઘટના બાદ રાજકોટ શહેર ઝોન 1 ના ડીસીપી હેતલ પટેલે નાગરિકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજી ડેમ જેવા જોખમી જળાશયોમાં ન્હાવું કે ઉતરવું સખત પ્રતિબંધિત છે. લોકોએ સ્વિમિંગ કે ન્હાવાના શોખ માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુરક્ષિત સ્વિમિંગ પૂલનો જ ઉપયોગ કરવો જોઈએ. થોડી ક્ષણોના આનંદ કે અજાણતામાં લેવાયેલું સાહસ આખા પરિવારનો માળો વિખેરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *