રાજકોટમાં બનેલી ઘટના : આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રીને માતા જોઈ જતા જીવ બચાવ્યો
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી છાત્રાને પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રીને માઠું લાગી આવ્યું હતું. પિતાના ઠપકાથી આવેશમાં આવેલી પુત્રીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા ત્રણ બહેનમાં વચ્ચેટ છે અને ધો.10માં અભ્યાસ કરે છે અને તેણીના પિતા કડિયા કામ કરી પરિવારનું આર્થિક ગુજરાન ચલાવે છે આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહ્યું હતું અને ટીવી કાલથી બંધ કરી દેવું છે તેમ કહી ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતા જોઈ જતા પુત્રીનો જીવ બચાવી હોસ્પિટલ ખાતે ખસેડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
