રાજકોટના 85 વર્ષીય વૃદ્ધે પુત્રને ભેટમાં આપેલું ઘર પાછુ લેવા અને દસ્તાવેજ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદાર નટવરલાલ ફિચડિયાનો આરોપ છે કે, ગિફ્ટ ડીડ થયા બાદ પુત્ર અને પુત્રવધૂએ તેમની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂૂ કર્યું હતું.અરજદાર નટવરલાલ રાજ્યના કૃષિ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તેમને બે પુત્રો અને બે પુત્રીઓ સહિત ચાર સંતાનો છે.
તેમના પુત્રો જુદા જુદા ફ્લેટમાં રહે છે, જ્યારે અરજદાર ઘરના એક રુમમાં રહે છે જ્યાંથી તે પોતાનું નેચરોપેથી ક્લિનિક ચલાવે છે. 1991 ખરીદેલું ઘર તેમની અને તેમની પત્નીની સંયુક્ત માલિકીનું હતું. તેમણે ઓગસ્ટ 2021 માં તેના પુત્રને ઘરનો 50 ટકા હિસ્સો ભેટમાં આપ્યો હતો. આશરે એક મહિના પહેલા તેમના ત્રણ સંતાનોએ તેમના મકાન પર હક્ક જતો કરતી સહી કરી હતી અને તેમની મૃત માતાનો 50 ટકા હિસ્સો તેમના ભાઇને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
એક વર્ષ બાદ અરજદારે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર બંને સમક્ષ ફરિયાદ નોંધાવીને મેઇન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ હેઠળ ગિફ્ટ ડીડને રદબાતલ ઠરાવવાની માગણી કરી હતી. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારનો હવાલો આપ્યો હતો.
જ્યારે સત્તાવાળાઓએ ગિફ્ટ ડીડ રદ કરવાનો કોઈ આદેશ આપ્યો ન હતો, પરંતુ તેઓએ તેમના બંને પુત્રોમાંથી દરેકને માસિક જાળવણી તરીકે રૂૂ. 2,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓને પુત્ર અને પુત્રવધૂ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ તેમની સંપૂર્ણ કાળજી લેશે.
જોકે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમણે વૃદ્ધાવસ્થામાં તેમની કાળજી લેવામાં આવશે તેવી આશા અને વિશ્વાસ સાથે પુત્રને પોતાનું ઘર ભેટમાં આપ્યું હતું. જો કે તેમનો પુત્ર માત્ર તેની સાથે ખરાબ વર્તન જ નથી કરતો, પરંતુ તેમને ઘર બહાર કાઢી મુકવાના પણ બધા પ્રયાસો કરે છે.
