થાનમાં પુત્રી પ્રેમી સાથે ભાગી જતાં વિયોગમાં પિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં રહેતા જિતેન્દ્રભાઈ મોહનભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં જિતેન્દ્રભાઈ ચાવડા બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જિતેન્દ્રભાઈ ચાવડા જમીન-મકાન લે-વેચનું કામ કરે છે. રાજકોટમાં ટીવીએસના શો રૂમમાં નોકરી કરતી પુત્ર ઉર્મિલાબેન ખાંભાના યુવાન સાથે ભાગી ગઈ હતી. પુત્રીના વિયોગમાં પિતાએ એસિડ પીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના ગુંદાળા ગામે રહેતાં જગાભાઈ સિદાભાઈ રાઠોડ (ઉ.30) પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
