ભાવનગરમાં એસટી બસે ગંભીર અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ ભાવનગરના બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન લાગતા બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્મતમાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈને બેઠેલી માતા અને પુત્રી બસની અડફેટે આવી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
મૃતકોમાં 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર, રહે. રામધરી, સણોસરા અને તેમની 7 વર્ષીય પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનો સમાવેશ થાય છે.જ્યારે અકસ્માતમાં મધુબેન લાલજીભાઈ વાઘેલા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બસને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
