વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા

ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં…

ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે ઉત્પાદન પર પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

વીરપુર પંથકના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂૂઆતમાં ઠીકઠાક વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટ્યા હોવા છતાં હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા અને સુકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો પણ થયો નથી.

ખાસ કરીને મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. ગરમી અને ભેજના અભાવને કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીઘે અંદાજે 70થી 80 ટકા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે સમયસર વરસાદ નહીં આવે તો કરવામાં આવેલો મોટો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

વરસાદના અભાવે કેટલાક ખેડૂતોએ એક જ પાકનું બે વખત વાવેતર કરવું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે ખેતીનો ખર્ચ બમણો થયો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે અને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. જો સ્થિતિ ગંભીર હોય તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને જરૂૂરી રાહત અને સહાય આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *