ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેકટર કૂચ, 23 સંગઠનોનું શક્તિપ્રદર્શન

ખાનગી કંપનીઓની વીજલાઈનો નાખવામાં ખેડૂતોના શોષણ અને અત્યાચાર સામે મહાસંગ્રામ, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઈનો ઉભી કરવા માટે ખેડૂતો ુપર ગુજારવામાં આવતા…

ખાનગી કંપનીઓની વીજલાઈનો નાખવામાં ખેડૂતોના શોષણ અને અત્યાચાર સામે મહાસંગ્રામ, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઈનો ઉભી કરવા માટે ખેડૂતો ુપર ગુજારવામાં આવતા દમનના વિરોદમાં આજે કોંગ્રેસ સહિત 23 સંગઠનો દ્વારા અમદાવાદથી 1111 ટ્રેકટરો સાથે ગાંધીનગર સુધીની કુચ યોજવામાં આવતાં ગાંધીનગરમાં માહોલ ગરમાયો છે અને પોલીસે કેટલાક સ્થળે રસ્તામાંથી જ ખેડૂતોની અટકાયત કરી લેતાં મામલો તંગ બન્યો છે. ખેડૂતોની ટ્રેકટર કુચના કારણે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરાવાઈ ગયું છે અને રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની છે.

આ કુચમાં સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્ધ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચ્યા છે. કેટલાક સ્થળે ખેડૂતોની અટકાયતના પણ અહેવાલો મળી રહ્યાં છે. કોંગ્રેસ આપ સહિત 23 સંગઠનો આ ખેડૂત આંદોલનમાં જોડાયા છે.

પોતાના પડતર પ્રશ્નો અને ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વળતર મુદ્દે ગુજરાતનો જગતનો તાત આજે આરપારના મૂડમાં આવી ગયો છે. ગાંધીનગરમાં આજે યોજાનારા ઐતિહાસિક ખેડૂત શક્તિ પ્રદર્શન પહેલા અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થતાં વાતાવરણ ઉગ્ર બન્યું છે. રાજ્યભરમાંથી આવેલા ખેડૂતોએ શાંતિપુરા સર્કલને જાણે હાઈવે છાવણીમાં ફેરવી દીધું છે. અહીંથી ખેડૂતો 1111 ટ્રેક્ટરોની વિશાળ અને અભૂતપૂર્વ રેલી સાથે ગાંધીનગર કૂચ કરવા રવાના થયા છે, જેને પગલે હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

આ વિરોધ પ્રદર્શન પાછળ ખેતરોમાં નાખવામાં આવી રહેલી વીજ લાઇન અને જમીન સંપાદન સામે મળતું અપૂરતું વળતર જવાબદાર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રાઈવેટ કંપનીઓ અને તંત્ર દ્વારા વિકાસના નામે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેતીની કીમતી જમીન બગડતી હોવા છતાં વીજ લાઇન સામે પૂરતું કે યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે હવે આરપારની લડાઈ શરૂૂ થઈ ચૂકી છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમતાથી અડગ છે.

આજના આ મહાસંગ્રામમાં ખેડૂત સંગઠનો દ્વારા માત્ર વળતર જ નહીં, પરંતુ ખેડૂતો પરના તમામ કૃષિ દેવા માફ કરવાની અને પાકના પોષણક્ષમ ભાવ આપવાની માંગ પણ બુલંદ કરવામાં આવી છે. 1111 ટ્રેક્ટરોના કાફલા સાથે નીકળેલી આ રેલી પાટનગર ગાંધીનગરના દરવાજે ટકોરા મારી રહી છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલ પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં પણ કિલ્લાબંધી જેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી પણ આંદોલનમાં જોડાઇ ગઇ
ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓ અને તેમના અધિકારોના મુદ્દે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર તરફ કૂચ કરી રહેલા ખેડૂત સંગઠનોને આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ’આપ’ના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. ગુજરાતનો ખેડૂત હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. એક તરફ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતો છે, તો બીજી તરફ ખાતર, બિયારણના વધતા ભાવ અને આર્થિક મુશ્કેલીઓ છે. દેશનું પેટ ભરનારા ખેડૂતો આજે પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. મનોજ સોરઠીયાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોને સુવિધાઓ આપવાને બદલે તેમની જમીનો છીનવી લેવાની નીતિ પર કામ કરી રહી છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં મોટા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર કે સુવિધા આપવામાં આવતી નથી. ગુજરાતની જમીનો ખાનગી કંપનીઓને સોંપવાની જે પ્રક્રિયા ચાલી રહી છે તે ખેડૂતો સાથેનો મોટો અન્યાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *