વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના શાસનકાળ દરમિયાન દેશના ખેડૂતોની આવકમાં અભૂતપૂર્વ વધારો થયો હોવાનું એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક સંશોધન પત્ર મુજબ, વર્ષ 2014-15 થી 2023-24 ના સમયગાળા દરમિયાન ખેડૂતોની આવકમાં 126 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ અહેવાલના તારણો સૂચવે છે કે મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો હતો, તે આ સમયગાળા દરમિયાન સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યો છે.
આ અહેવાલ મુજબ, છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કૃષિ લક્ષી યોજનાઓ અને આર્થિક સુધારાઓને કારણે ખેડૂતોની આર્થિક ક્ષમતામાં મોટો સુધારો થયો છે.
રમેશ ચંદે તેમના પેપરમાં નોંધ્યું છે કે ખેડૂતોની આવકમાં થયેલી આ વૃદ્ધિ સરકારના મૂળ અંદાજ કરતા પણ વધારે છે, જે ભારતીય કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. ખેતી અને તેની સાથે જોડાયેલા અન્ય વ્યવસાયોમાં થયેલી પ્રગતિને કારણે ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ વધી છે અને ખેડૂતો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ નવો ડેટા દર્શાવે છે કે 2014-15 ના પાયાના વર્ષથી લઈને અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ આ લક્ષ્યાંકને આંબી ગઈ છે. ટેકનોલોજીનો વધતો ઉપયોગ, ટેકાના ભાવમાં (ખજઙ) કરવામાં આવેલો વધારો, સીધી સહાય યોજનાઓ અને સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ જેવા પરિબળોએ આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ આંકડાઓ આગામી સમયમાં કૃષિ નીતિઓના ઘડતર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
